આણંદ: આણંદમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. ભાજપના નેતાઓ AAPની સભાઓ કે કાર્યક્રમ નથી થવા દેતી તેઓ આક્ષેપ તેમણે કહ્યો હતો. આણંદમાં ભાજપના નેતાઓ દ્વારા પાર્ટી પ્લોટ કે હોલ ભાડે આપવા પર તેમને ધમકાવવામાં આવે છે અને AAPના કાર્યક્રમો થવા દેતા નથી તેવું પણ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું.
ADVERTISEMENT
‘ભાજપના લોકોમાં ફફડાટ પેઠો છે’
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઈમાનદાર અને સક્ષમ વિકલ્પના રૂપમાં આગળ વધી રહી છે. તે જોતા ભાજપના લોકોમાં ફફડાટ પેઠો છે. અને ડરમાંને ડરમાં ન કરવાના તમામ કામો ભાજપના લોકો કરવા લાગ્યા છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે કેજરીવાલે ગેરંટી આપી છે.
‘ભાજપ હારના ડરથી સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે’
દેશના રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર ગેરંટી શબ્દ પ્લેટફોર્મ પર આવ્યો. આ ગેરંટીથી ગુજરાતનો વિશાળ વર્ગ પ્રભાવિત છે. લોકોને કેજરીવાલ પર વિશ્વાસ છે. એટલે તમામ વર્ગને આપ સાથે જોડવા અલગ અલગ કેમ્પેઈન ચાલે છે. એ કાર્યક્રમના ભાગ રૂપે હું પાંચ દિવસથી વેપારી સાથે સંવાદ કરી રહ્યો છે. વાપી, નવસારી, વલસાડ, સુરત, ભરુચ, વડોદરા અને આજે આણંદમાં સંવાદ રાખવામાં આવેલો. અમે વેપારીઓના પ્રશ્નો, રજૂઆતો અને સલાહ સૂચનનોને સાંભળવા માગીએ છીએ. પરંતુ ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને વેપારીઓના પ્રશ્નો સાંભળવામાં રસ નથી. તે લોકો આપથી ડરે છે. આપ આવશે, લોકોનો સપોર્ટ મળશે અને ભાજપને હારવું પડશે તેવા ડરના કારણે તેઓ દાદાગીરી કરી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે.
ભાજપના લોકોએ પાર્ટી પ્લોટનું બુકિંગ રદ કરાવ્યું
કેજરીવાલનો આણંદમાં કાર્યક્રમ નક્કી કર્યો હતો, પણ અહીં ભાજપના નેતાઓને ડર લાગ્યો અને તેમણે કેજરીવાલનો કાર્યક્રમ ન થવા દીધો. અમે તુલસી પાર્ટી પ્લોટ બાકરોલ ગેટનો સંપર્ક કર્યો, બે કલાક પછી તેમણે ના પાડી દધી કે ભાજપવાળાનું દબાણ છે અમે તમને પાર્ટી પ્લોટ નહીં આપી શકીએ. પછી અમે વિવાહ પાર્ટી પ્લોટ સોજીત્રાનો સંપર્ક કર્યો, શરૂઆતમાં હા પાડી, પછી કીધું કે, ભાજપના નેતાઓ ધાક-ધમકી આપે છે, કાર્યક્રમ થશે તો મજા નહીં આવે, અમને ના પાડી દીધી.
તમામ પાર્ટી પ્લોટનું બુકિંગ ભાજપના લોકોએ રદ કરાવ્યાનો આક્ષેપ
તેમણે આગળ ઉમેર્યું, પછી અમે અવસર પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો, તેમણે શરૂઆતમાં હા પાડી પછી કીધું ભાજપના ધારાસભ્યના માણસોના ફોન આવે છે, ગાળા-ગાળી કરે છે. પછી અમે નક્ષત્ર પાર્ટી પ્લોટ ગણેશ ચોક પાસે સંપર્ક કર્યો. તેમણે હા પાડી. પાછળથી કહ્યું, ભાજપના ગુંડા અહીં આવે છે અને ધમકી આપે છે કે પ્લોટ કેજરીવાલ કે AAPને આપશો નહીં. ત્યાર પછી અમે સરદાર પટેલ બેન્કવેટ હોલ 80 ફૂટ રોડ પર સંપર્ક કર્યો, નિલકંઠ પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો, સ્ટાર વૂડ બોરસદ ખાસે સંપર્ક કર્યો. આમ કુલ 7 પાર્ટી પ્લોટનો સંપર્ક કર્યો. કેજરીવાલનો કાર્યક્રમ કરવા તમામ પ્લોટવાળાને ભાજપના માણસોએ ધમકાવ્યા. અને બધાને કહી દીધું કે કોઈએ પોતાનો પ્લોટ કે પ્રોપર્ટી ભાડે આપવી નહીં નહીંતર તમારા ધંધા બંધ થઈ જશે.
આજે પણ બે હોલનું બુકિંગ રદ કરાવ્યું
વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ માટે હોલ માટે શરૂઆતમાં ઊમા ભવન આણંદ-સોજીત્રા રોડ પરનો સંપર્ક કર્યો તો, શરૂઆતમાં હા પાડી, 10,000 રૂપિયા એડવાન્સમાં ચૂકવી દીધા. સવારે 10 વાગ્યે બુકિંગ નક્કી થયું. પૈસા આપ્યા, વાત નક્કી થઈ ગઈ. પછી રાત્રે બે વાગ્યે બોલાવીને ના પાડી દીધી. ભાજપના ગુંડા અમને ધમકાવે છે અમે નહીં આપી શકીએ. અમે તાત્કાલિક સી.એમ પાર્ક બેન્કવેટ હોલનો સંપર્ક કર્યો અને હોલ ભાડે માગ્યો. શરૂઆતામાં હા પાડતા 5000 ટ્રાન્સફર કર્યા. પછી 9 વાગે કીધું, નહીં આપી શકીએ. આણંદમાં 9 વખત અમે સંપર્ક કર્યો અને ભાજપના લોકોએ ના પાડી.
ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અમે આમ આદમી છીએ. દેશની નાનામાં નાની પાર્ટી છીએ. અમારાથી ડરવાની ભાજપને ક્યાં જરૂર છે. ભાજપના જે સાંસદ-ધારાસભ્યએ આ કર્યું છે તેમનામાં હિંમત હોય તો આણંદના રોડ રીપેર કરાવો. ત્યાં તમારું ચાલતું નથી એટલે આ નિર્દોષ લોકોને ધમકાવો છો. ગમે તેટલો પ્રયાસ કરી લો આ વખતે જનતા ક્રાંતિ કરવાની છે. તમે પાર્ટી પ્લોટ વાળાને રોકી શકશો જનતાને નહીં રોકી શકે.
ADVERTISEMENT