કૌશલ જોશી, ગીર સોમનાથ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક વેરાવળ એપીએમસી ખાતે યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રની બેઠકો કબજે કરવાની રણનીતિ ઘડવામાં આવી.
ADVERTISEMENT
સોમનાથના વેરાવળમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાજર રહ્યાં હતા. જેમાં 2017ના પરિણામનું પુનરાવર્તન ન થાય તે માટે રણનીતિ ઘડવામાં આવી હતી. સૌરાષ્ટ્રની તમામ બેઠકો કબજે કરવા માટે સ્ટેટેજી તૈયાર કરવામાં આવી હતી.
આ બેઠકમાં પત્રકારોને કે અન્ય કોઈપણ લોકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. બેઠકનો ભાગ બનેલા ભાજપના નેતાઓ નામ ન આપવાની શરતે જણાવે છે કે સંગઠન કોઈપણ ભોગે સૌરાષ્ટ્રમાં તમામ સીટો પર કેસરિયો લેહરાવવા માટે ગંભીર છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળે છે કે ભાજપ 2 ચાલુ સાંસદ ને વિધાનસભાની ચૂંટણી લડાવી શકે છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ગિરસોમનાથ અને જૂનાગઢના સંયુક્ત સાંસદ રાજેશ ચુડાસમાના નામ વિધાનસભાના ઉમેદવારોમાં હોય તેવું પણ બની શકે છે. જોકે ભાજપ દ્વારા મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. ભાજપ સંગઠનની અંગત બેઠક કહીને માહિતી આપવાથી બચી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને આસપાસની બેઠકો ભાજપ માટે શાખ નો પ્રશ્ન બની છે ત્યારે ભાજપ એડી ચોટી નું જોર લગાવી આ બેઠકો જીતવા પ્રયત્ન કરશે. અને જો સૂત્રો સાચા પડે છે તો વર્તમાન સાંસદો વિધાનસભાની બેઠકો પર ઉમેદવારી કરતા પણ જોવા મળી શકે છે.
અમિત શાહ ઝોન વાઇઝ કરી રહ્યા છે બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચૂંટણીને લઈ તેમણે અલગ રણનીતિ તૈયાર કરી છે. અમિત શાહ ઝોન મુજબ બેઠકો કરી રહ્યા છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી . ત્યારબાદ તેઓ મધ્ય ગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં બેઠક યોજી છે.
2017નું પરિણામ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.
સોમનાથ મંદિરના દર્શન કર્યા
ગુજરાતના પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મંદિરના દર્શન કર્યા, ગૃહમંત્રીએ સૂર્યગ્રહણ બાદ ભગવાન સોમનાથના દરબારમાં પૂજા અર્ચના કરી.
ADVERTISEMENT