ખેડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. આજે કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફાગવેલથી યાત્રામાં જોડાયેલા ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને પ્રભાતસિંહને મન દુઃખ થયું હતું. ત્યારે હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે.
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લામાં ભાજપને થઈ શકે નુકસાન
પંચમહાલથી ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણ આજે કોંગ્રેસના મહામંત્રી મોહન પ્રકાશ અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ચૂંટણી પહેલા જ ભાજપના કદાર નેતા અને પૂર્વ સાંસદ એવા પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટું નુકસાન થઈ શકે છે.
પ્રભાતસિંહના પત્ની મોદીની સભામાં હાજર
ત્યારે માહિતી મળી રહી છે કે પૂર્વ સાંસદ પ્રભાતસિંહ જ્યારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે તેમના પત્ની રંગેશ્વરી ચૌહાણ PM મોદીની સભામાં હતા. જાંબુઘોડામાં PM મોદી આજે કરોડોની યોજનાઓનું ઈ-લોકાર્પણ કરવાના છે. જેના કાર્યક્રમમાં રંગેશ્વરી ચૌહાણ ત્યાં હાજર હતા. પ્રભાતસિંહના કોંગ્રેસમાં જવા વિશે પૂછતા તેમણે કહ્યું કે, મને ખબર નથી એ કોંગ્રેસમાં જોડાયા છે પણ હું તો ભાજપમાં જ છું.
(વિથ ઈનપુટ: હેતાલી શાહ & શાર્દુલ ગજ્જર)
ADVERTISEMENT