અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ત્યારે આજની નવી યાદીમાં ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, ડેડિયાપાડા, ચોર્યાસી બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ADVERTISEMENT
કોને-કોને ટિકિટ મળી?
ભાજપે આ વખતે ધોરાજી બેઠક પરથી મહેન્દ્રભાઈ પાડલિયાને ટિકિટ આપી છે. ત્યારે ખંભાળિયાની બેઠક પરથી મુળુભાઈ બેરા, કુતિયાણાથી ઢેલિબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલબેન પંડ્યા જ્ઓ ભાવનગરમાં શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની છે. ડેડિયાપાડાથી હિતેશ વસાવા તથા ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે.
ટિકિટ માટે ફોન આવ્યો પણ ટિકિટ ન મળી
ખાસ વાત એ છે કે આ પહેલા કુતિયાણા બેઠકને લઈને રમેશ ઓડેદરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમને ટિકિટ માટે ફોન આવ્યો છે. પરંતુ આજના લિસ્ટમાં ટિકિટ કુતિયાણા પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને અપાઈ છે. ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપે કેટલાક ઉમેદવારોના નામોમાં રાતોરાત ફેરફાર કર્યા હોઈ શકે છે.
ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર યુવા નેતા હિતેશ દેવજી વસાવા ભાજપ ના ઉમેદવાર જાહેર છે. હિતેશ વસાવા હાલ ભાજપના જીલ્લા પંચાયત સભ્ય છે અને તેમની માતા ડેડીયાપાડા ગ્રામપંચાયતના સભ્ય છે. હિતેશ વસાવા બિટીપી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલ દેવજીભાઈ વસાવાના પુત્ર છે. જેઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભાજપમાં સક્રિય બન્યા હતા. જોકે ડેડિયાપાડામાં પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવાનું નામ કપાઈ જતા સિનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT