Gujarat Elections: ગુજરાત વિધાસનભાની ચૂંટણી 2022 જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી છે. એક બાજુ ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર છે. જેમાં નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહના નામ સામેલ છે. કુલ 40 નેતાઓની આ યાદીમાં ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે.
ADVERTISEMENT
યોગી આદિત્યનાથ- શિવરાજ ચૌહાણ આવશે ગુજરાત
આ યાદીમાં પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરીનું નામ સામેલ છે. આ ઉપરાંત સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની પણ સ્ટાર પ્રચારક બનાવ્યા. યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના CM શિવરાજ ચૌહાણ, અસમના સી.એમ હેમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડે. સી.એમ દેવેન્દ્ર ફડણવિસને પણ સ્ટાર પ્રચારક બનાવાયા છે.
હેમા માલિની-પરેશ રાવલ પણ ભાજપ માટે વોટ માગશે
સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નિતિન પટેલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ પણ આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. વધુમાં કેન્દ્રીય મંત્રીઓમાં ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપલાને પણ સ્થાન અપાયું છે. ઉપરાંત ભોજપુર ગાયકો મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ નિરહુઆને પણ સામેલ કરાયા છે. યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા, ફિલ્મ એક્ટ્રેસ હેમા માલિની તથા એક્ટર પરેશ રાવલને પણ પાર્ટી માટે પ્રચાર કરશે.
નેતાઓ માટે 5 હેલિકોપ્ટરની વ્યવસ્થા
ખાસ વાત એ છે કે, ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર કરવા આવી રહેલા આ સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ ઝડપથી અને સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને પ્રચાર કરવા માટે જઈ શકે. પ્રાપ્ત વિગતો મુજબ આ માટે ભાજપ દ્વારા કુલ 5 જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં બે ચરણમાં મતદાન યોજાશે
નોંધનીય છે કે 182 બેઠકો માટે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં 1લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે અને 5 ડિસેમ્બર ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે.
ADVERTISEMENT