અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટથી જીત થઈ હતી. હવે ભાજપે પોતાની નજર આગામી લોકસભા ચૂંટણી પર કરી છે. જે માટે અત્યારથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં પ્રચંડ જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. સૂત્રો મુજબ સી.આર પાટીલને ભાજપ હવે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી શકે છે. જે 2024ની ચૂંટણી પહેલા મોટો નિર્ણય કહી શકાય છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પર ભાજપની નજર
ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા સીટો આવેલી છે અને વર્ષ 2019માં ભાજપને તેમાંથી 62 સીટો મળી હતી. 2024ની ચૂંટણીમાં ભાજપની નજર સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર બનાવવા પર છે. એવામાં ઉત્તર પ્રદેશની 80માંથી વધુમાં વધુ બેઠકો જીતવી ખૂબ જરૂરી બની જાય છે. ત્યારે ગુજરાતમાં જે રીતે સી.આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં જાદુ બતાવ્યો અને રેકોર્ડબ્રેક પરિણામ મેળવ્યા આ જોતા તેમને યુ.પીમાં તમામ લોકસભા સીટો જીતવાનો નવો લક્ષ્યાંક ભાજપ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી શકે છે.
ગુજરાતમાં પાટીલે તમામ રેકોર્ડ તોડી ભાજપને જીત અપાવી
ગુજરાતમાં એન્ટીઈન્કમ્બન્સી, મોંઘવારી, બેરોજગારી સહિતના સ્થાનિક પ્રશ્નો હોવા છતાં ભાજપે 156 સીટો મેળવી હતી અને માધવસિંહ સોલંકીની સરકારનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા અને માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ. ભાજપની આટલી પ્રચંડ જીતનો ભાજપના નેતાઓને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં ભાજપની કારોબારી બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતની જીતનો શ્રેય પણ સી.આર પાટીલને આપ્યો હતો અને તેમના ખૂબ વખાણ કર્યા હતા.
પાટીલને 2024 માટે સોંપાઈ ખાસ જવાબદારી
બીજી તરફ તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ પૂરો થયો છે. તેમનો કાર્યકાળ ફરી 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપના પ્રદર્શન બાદ તેમનો ટ્રેક રેકોર્ડ જોતા સી.આર પાટીલને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપાય તેવી અટકળો અગાઉથી થઈ રહી હતી. એવામાં હવે ભાજપ સી.આર પાટીલને લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપતા યુપીની તમામ 80 સીટો જીતવા સુકાન સોંપી શકે છે.
ADVERTISEMENT