અમરેલી: અમરેલીના ધારી વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયાની સભામાં જ જોરદાર હોબાળો થયો હતો. સ્થાનિકોએ મોંઘવારી અને રોડ-રસ્તા બાબતે ભાજપના નેતાને ઘેરીને આકરા સવાલો કર્યો હતો. જોકે જનતાના સવાલો સાંભળીને જે.વી કાકડિયા સભા અધૂરી છોડીને જ ત્યાંથી ભાગી ગયા હતા.
ADVERTISEMENT
ધારીના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા
ધારીના કાગદડી ગામે જે.વી કાકડિયા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં સ્થાનિકોએ ભાજપના નેતાનો ઉધડો લીધો હતો. જે.વી કાકડિયાએ સભા શરૂ કરતા જ યુવકોએ મોંઘવારી, ખાતર, રોડ-રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. યુવકોએ કહ્યું કે, યુરિયા ખાતર મળતું નથી, રોડ રસ્તા બન્યા નથીને ગુજરાતની ચૂંટણીની વાત ને બદલે મોદીની શું કામ વાત કરો છો. 6 હજાર બંધ કરી દિયો સબસિડી ચાલુ કરો, ઉજ્જવલા યોજનામાં બાટલા આપીને 1200 કર્યા. યુવકોના આ સવાલનો જવાબ આપવામાં ભાજપના નેતાને ગલ્લાંતલ્લાં થઈ ગયા હતા.
જનતાના સવાલો સાંભળી નેતાજીની બોલતી બંધ થઈ ગઈ
ભરી સભામાં ભાજપના નેતાનો ઉધડો લેતા જે.વી.કાકડીયા સહિત ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેઓ સભા અધૂરી છોડીને જ ત્યાંથી ચાલતી પડકી હતી. ભાજપના નેતાઓને તતડાવી નાખતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગામલોકોએ સ્થાનિક પ્રશ્નો મુદ્દે નેતાને ઘેરી લેતો તેઓ સભા અધૂરી છોડીને જ જતા રહ્યા હતા.
પબુભા-અશ્વિન કોટવાલનો પણ થયો હતો વિરોધ
નોંધનીય છે કે, આ પહેલા પણ ઘણા નેતાઓને ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થઈ રહ્યો છે. તાજેતરમાં જ દ્વારકામાં ગોકલપર ગામમાં પબુભા માણેકનો પણ કેટલાક યુવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવકોને ભાજપના કાર્યકરો સભા સ્થળેથી દૂર લઈ ગયા હતા. ખેડબ્રહ્મામાં ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલનો જ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બીજી તરફ વાવમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં પણ લોકોએ વિરોધ કર્યો હતો.
(વિથ ઈનપુટ: હિરેન રવિયા)
ADVERTISEMENT