ભાજપના વધુ એક ઉમેદવારનો બફાટ, ‘સામે કોઈ ખોટું ન કરે તેનું ધ્યાન રાખજો અને આપણે થાય એટલું કરજો’

પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા. હવે આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બીજા તબક્કાની…

gujarattak
follow google news

પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા. હવે આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે રાધનપુરથી ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો એક વિવાદિત વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ મતદાન વખતે સામેના પક્ષથી કોઈ ખોટું ન કરે તેનું ધ્યાન રાખવા માટે કાર્યકરોની કહી રહ્યા છે, પરંતુ પોતાના માટે બને તેટલું ખોટું કરવા માટે કહી રહ્યા છે.

લવિંગજી ઠાકોરનો વિવાદિત વીડિયો વાઈરલ
રાધનપુરમાં એક સભા કરતા લવિંગજી ઠાકોરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, તમને ખાનગીમાં કહી દઉં, આ મારી છેલ્લી ચૂંટણી છે હોં. એટલે મહેરબની કરીને તમારી અને મારી આબરૂ બધાની ભેગી છે. હું ઠાકોર સમાજનો આગેવાન છું અને આ સેનાના યુવાનોને કહુ કે આપણી એ 16 વિધાનસભામાં કૂદી પડશું અને એજન્ટ પણ એવા રાખજો કે સામે કોઈ ખોટું કરવાની હિંમત ન થાય અને આપણે જેટલું કરવું હોય એટલું કરજો. લવિંગજી ઠાકોરનો આ બફાટ કરતો વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.

અગાઉ કાલોલના ઉમેદવારનો બોગસ મતદાન વિશે વાત કરતો વીડિયો આવ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે પંચમહાલની કાલોલ બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનો જાહેરસભાને સંબોધતો એક વિવાદિત વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે, બુથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે? તે 3000 વોટ પાડી જ દેવાના છે. પરિણામ નક્કી જ છે સાંભળી લો, અને ગાળો ખાવા તૈયાર હોય તો અવળા વોટ નાખજો. જોકે ફતેસિંહ ચૌહાણનો આ વીડિયો વાઈરલ થતા હવે વિવાદ ઉઠ્યો છે. AAPના ઉમેદવાર દિનેશ બારીયાએ વીડિયોના આધારે ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ કરીને પગલાં ભરવાની માગણી કરી હતી.

    follow whatsapp