પંચમહાલ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નેતાઓ કંઈપણ કરવા તૈયાર હોય એમ લાગી રહ્યું છે. એકબાજુ મતદારોમાં રૂપિયા વેચવાના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ખૂબ ઉમેદવાર જ કાર્યકરોને બોગસ મતદાન કરવા માટે પ્રેરી રહ્યા છે. કાલોલના ભાજપના ઉમેદવારના વીડિયોના કારણે રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
વીડિયોમાં શું કહી રહ્યા છે ભાજપના ઉમેદવાર?
પંચમહાલની કાલોલ બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનો જાહેરસભાને સંબોધતો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, બુથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે? તે 3000 વોટ પાડી જ દેવાના છે. પરિણામ નક્કી જ છે સાંભળી લો, અને ગાળો ખાવા તૈયાર હોય તો અવળા વોટ નાખજો. જોકે ફતેસિંહ ચૌહાણનો આ વીડિયો વાઈરલ થતા હવે વિવાદ ઉઠ્યો છે. AAPના ઉમેદવાર દિનેશ બારીયાએ વીડિયોના આધારે ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ કરીને પગલાં ભરવાની માગણી કરી છે.
AAPના ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી
નોંધનીય છે કે, કાલોલ બેઠક પર ભાજપ દ્વારા સીટિંગ ધારાસભ્ય સુમન ચૌહાણની ટિકિટ કાપીને ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી રાજકારણના જૂના જોગી એવા પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટીએ દિનેશ બારીયાને ટિકિટ આપી છે. ત્યારે કાલોલ બેઠક પર બરાબરીનો જંગ થવા જઈ રહ્યો છે. જોકે વાઈરલ વીડિયોને લઈને AAPના ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ કાર્યવાહી કરીને મતદાન મથકો પર પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી.
ADVERTISEMENT