ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા BJPના 10 નેતાઓને પ્રદેશ ગાંધીનગરનું તેડું, હવે સસ્પેન્ડ થશે?

સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગત ડિસેમ્બર મહિનામાં યોજાઈ ગઈ. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ. જોકે ચૂંટણીમાં ઘણા નેતાઓ ટિકિટ ન મળતા નારાજ થયા હતા અને…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગત ડિસેમ્બર મહિનામાં યોજાઈ ગઈ. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ. જોકે ચૂંટણીમાં ઘણા નેતાઓ ટિકિટ ન મળતા નારાજ થયા હતા અને પક્ષ વિરુદ્ધમાં જ કામગીરી કરતા જોવા મળ્યા હતા. આવા ઘણા નેતાઓ સામે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા પગલા લેવામાં આવી ચૂક્યા છે. ત્યારે હવે ચોટીલામાં ભાજપના 10 જેટલા હોદ્દેદારોને પ્રદેશ ગાંધીનગરનું તેડું આવ્યું છે.

ચોટીલાની બેઠકો પર ભાજપને હરાવવા હોદ્દેદારોએ કામ કર્યું
વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલામાં ભાજપ પક્ષને નુકસાન થાય એવું કાર્ય કરનારા હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત ગ્રામ્યના હોદ્દેદારો સહિત 10 ભાજપનાં હોદ્દેદારો સામે પ્રદેશ તરફથી કાર્યવાહી થઈ શકે છે. જીલ્લાની 5 વિધાનસભા ચૂંટણીમાં અમુક હોદ્દેદારોને ટીકીટ ન મળતાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કર્યાની ફરીયાદો પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી હતી. જેમાં ચોટીલા વિધાનસભાનાં 10 હોદ્દેદારોને આજે ગાંધીનગર બોલાવાયા છે.

અગાઉ પણ મોટા માથાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા
નોંધનીય છે કે, આ પહેલા ગત નવેમ્બર માસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આદેશથી વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરને સસ્પેન્ડ કર્યા હતા.

(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)

 

    follow whatsapp