અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે 160 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન રાજકોટ શહેરની ચાર બેઠક પર ભાજપે વધુ એક પ્રયોગ કર્યો છે. ત્યારે રાજકોટ શહેરના ચારેય ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જો કે ખાસ વાત એ છે કે, તેમાં વતર્માન ધારાસભ્યના પતા કપાયા છે.
ADVERTISEMENT
અરવિંદ રૈયાણીનું રિપ્લેસમેન્ટ
રાજકોટ પૂર્વની આ બેઠક પર વર્તમાન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું છે. રૈયાણીની જગ્યાએ પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ઉદય કાનગડ રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્ટે.ચેરમેન, પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકયા છે. ઉદય કાનગડે છેલ્લા સમયમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પણ પૂરા રાજયમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આ કારણે પણ ઓબીસી સમાજમાંથી હાઇકમાન્ડે તેમની નોંધ લીધાનું માનવામાં આવે છે.
વિજય રૂપાણીનું રિપ્લેસમેન્ટ
રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપની પરંપરાગત બેઠક છે. કોઇ પણ ઉમેદવાર માટે સલામત ગણવામાં આવે છે. ભાજપના ગઢમાં વજુભાઇ વાળા બાદ બે ટર્મથી સતત વિજયભાઇ રૂપાણી અહીં ચૂંટાયા હતા. હવે તેમણે ચૂંટણી નહીં લડવા જાહેરાત કરતા આ બેઠક પર ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની પસંદગી કરવામાં આવી છે. દર્શિતાબેન બે વખત નગરસેવક અને બે વખત ડે.મેયર પણ બન્યા છે. સંઘ પરિવાર સાથે તેમનો પરિવાર દાયકાઓથી જોડાયેલો છે.
ગોવિંદ પટેલનું રિપ્લેસમેન્ટ
રાજકોટ દક્ષિણની બેઠક પર ગોવિંદભાઇ પટેલ ગત ચૂંટણીમાં ૪૭ હજારથી વધુ જંગી બહુમતી સાથે ચૂંટાયા હતા. આ બેઠક પર હવે તેઓ ચૂંટણી નહીં લડે તેવી ધારણા વચ્ચે એકાએક તેમણે ચૂંટણી લડવા ઇચ્છા જાહેર કરી દીધી હતી. . ડો. ભરત બોઘરા આ બેઠકના મજબૂત દાવેદાર હતા. પરંતુ તેમનું નામ પણ લીસ્ટમાં આવ્યું નથી. આ બેઠક પર ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાની પાર્ટીએ પસંદગી કરી છે. અગાઉ તેઓ દિલ્હી ખાતે નરેશભાઇ પટેલની હાજરીમાં વડાપ્રધાનને મળ્યા હતા.
લાખાભાઈ સાગઠિયાનું રિપ્લેસમેન્ટ
રાજકોટ ગ્રામ્યની અનામત બેઠક પર લગભગ દર વખતે ઉમેદવાર બદલતા રહે છે. પ્રમાણમાં સરળ અને બિનવિવાદાસ્પદ ગણાતા લાખાભાઇ સાગઠીયા રીપીટ થશે તેવું અઠવાડિયા અગાઉ લાગતું હતું. પરંતુ બે દિવસમાં સંજોગો બદલાયા અને મહિલા ઉમેદવાર આવશે તે નકકી થયું હતું. આ બેઠક પરથી અગાઉ બે વખત ધારાસભ્ય રહેલા અને હવે કોર્પોરેટર બનેલા ભાનુબેન બાબરીયાને પાર્ટીએ ફરી ટીકીટ આપી છે. હાલ તેઓ વોર્ડ નં.૧ના કોર્પોરેટર છે.
ADVERTISEMENT