સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેના પરિણામે પોતાનો ગઢ ગણાતો હોય એવી ઘણી બેઠકો પર પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં થાન શહેરના કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈએ અત્યારે પોતાના હોદ્દા પરથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું છે. તેમણે હારની નૈતિક જવાબદારી સ્વીકારી આ પગલું ભર્યું હોવાની ચર્ચા વેગવંતી બની છે.
ADVERTISEMENT
હારની જવાબદારી સ્વીકારી આપ્યું રાજીનામુ
વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની હાર થઈ હતી. જેની નૈતિક જવાબદારી સ્વીકારીને થાન શહેરના કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગતે રાજીનામું આપી દીધું છે. તેમણે લેખિતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામુ સોંપી દીધું છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે…
જોકે મંગળુભાઈ ભગતે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે. પરંતુ તેઓ કોંગ્રેસ પક્ષના સદસ્ય તરીકે કાર્યરત રહેશે. તેઓ પાર્ટીને સહાય કરવા માટે સતત જોડાયેલા રહેશે એવું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે હવે કોંગ્રેસની કારમી હાર પછી પાર્ટી વધુ આક્રમક રણનીતિ સાથે આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડતી હોય એમ લાગી રહ્યું છે.
કઈ પાર્ટીને કેટલા મત મળ્યા?
ગુજરાતની ચૂંટણીમાં 156 સીટો જીતનારી ભાજપને 1.67 કરોડ વોટ અને 52.50 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86.83 લાખ વોટ, આમ આદમી પાર્ટીને 41.12 લાખ વોટ, નોટાને 5.01 લાખ વોટ જ્યારે અન્યને 13.81 લાખ વોટ મળ્યા હતા.
ADVERTISEMENT