ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા છે. સોમવારે મુખ્યમંત્રી સહિત નવા મંત્રીમંડળે શપથ લીધા અને ગઈકાલથી જ તમામ મંત્રીઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારે શપથ ગ્રહણ બાદથી જ મુખ્યમંત્રી એક્શન મોડમાં આવી ગયા છે. CMએ તમામ નવા બનેલા મંત્રીઓને 100 દિવસની કામગીરીનો ટાર્ગેટ આપ્યો છે.
ADVERTISEMENT
મંત્રીઓને શું કામગીરીનો ટાર્ગેટ અપાયો?
મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સરકારની નવી યોજનાઓ, હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મૂકીને વિઝન ડોક્યુમેન્ટ પર પોત પોતાના વિભાગમાં કામગીરી શરૂ કરી દેવાની તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ આ માટે 100 દિવસની કામગીરીનો ટાર્ગેટ આપ્યો છે.
ગૃહમંત્રીએ પહેલા જ દિવસે સમીક્ષા બેઠક યોજી
ખાસ વાત છે કે ગઈકાલે જ તમામ મંત્રીઓએ પોત-પોતાના વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. જેમાં હર્ષ સંઘવીએ પણ ફરીથી ગૃહ વિભાગનો ચાર્જ સંભાળ્યો. જેમાં તેમણે ડિજિટલ કામગીરી, ઈ-ચલણ તેમજ પોલીસ વિભાગની અન્ય કામગીરી સહિતની બાબતોની સમીક્ષા યોજી હતી.
પહેલા દિવસે જ મુખ્યમંત્રી તમામ મંત્રીઓને સામે ચાલીને મળવા પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ- માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી. મંત્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા.
ADVERTISEMENT