ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અત્યારે સ્થાનિક અને કેન્દ્રીય મંત્રીઓના આંટાફેરા પણ વધી ગયા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂએ ભાવનગર મુલકાત દરમિયાન રસ્તાઓની પ્રશંસા કરી હતી. જેને ટાંકીને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ટ્વીટ કરી આ રસ્તાઓના નિર્માણ પાછળની વાસ્તવિકતા જણાવી દીધી હતી. જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. જાણો સમગ્ર ઘટનાક્રમ…
ADVERTISEMENT
કિરણ રિજ્જૂએ ટ્વીટ કરી જણાવ્યું…
ગુજરાત પ્રવાસે આવેલા કિરણ રિજ્જૂએ અમદાવાદથી ભાવનગર જતા સમયે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે લખ્યું કે અત્યાર સુધીની મારી સફર ઘણી સ્મૂધ રહી છે. માત્ર અહીંના જ નહીં સમગ્ર ગુજરાતના રસ્તા ઘણા સારા છે. જેના ટ્વીટ પર ભાવનગરના યુવરાજે વળતો જવાબ આપ્યો હતો.
ભાવનગરના યુવરાજનો વળતો જવાબ…
કિરણ રિજ્જૂના ટ્વીટનો વળતો જવાબ આપતા ભાવનગરના યુવરાજે જણાવ્યું કે એમા કોઈ શંકા નથી કે નેશનલ હાઈવેના રસ્તા સુધરી રહ્યા છે. પરંતુ શહેરમાં ઘણા રોડ-રસ્તા એવા છે જે સાવ ખરાબ છે. આવા રસ્તાઓનું સમારકામ ત્યારે જ હાથ ધરાય છે જ્યારે કોઈ ભાજપના નેતા અહીં પ્રવાસે આવવાનાં હોય. હું દરેક નેતાઓને વિનંતી કરું છું કે તમે અવાર નવાર અહીં મુલાકાતે આવતા રહો જેથી કરીને અમારા વિસ્તારના રસ્તા સારા રહે.
કોવિડ સમયે યુવરાજ જયવીરરાજસિંહ મેદાનમાં…
કોરોના મહામારી દરમિયાન યુવરાજ જયવીરરાજ સિંહે અધિકારીઓને આડે હાથ લીધા હતા. આની સાથે રાજકીય પક્ષો અને બિઝનેસમેન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોને ખરીદવા માટે ફંડના રૂપિયા વાપરવામાં આવે છે, પરંતુ અત્યારે કોવિડની સ્થિતિમાં જેવી રીતે લોકોની સ્થિતિ છે. એના નિવારણ માટે કેમ કોઈ સામે આવી રહ્યું નથી. અત્યારે દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તદ્દન નિષ્ક્રિય અધિકારીઓએ જનતાની માફી માગીને રાજીનામું આપી દેવું જોઈએ.
ADVERTISEMENT