હૈદરાબાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ‘ભારત જોડો યાત્રા’ 3 દિવસના વિરામ બાદ આજથી ફરી શરૂ થઈ છે. 50મા દિવસની યાત્રા તેલંગાણાના નારાયણપેટ જિલ્લાના મફતલથી શરૂ થઈ. ગુરુવારે આ યાત્રામાં રાહુલ ગાંધી ફરીથી સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કેટવાક કલાકારો સાથે ઢોલ પણ વગાડ્યો હતો. જેની તસવીરો સામે આવી હતી.
ADVERTISEMENT
16 દિવસ તેલંગાણામાં અલગ-અલગ ભાગોમાં યાત્રા જશે
પાર્ટીના સૂત્રો મુજબ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી આ યાત્રા આજે 26.7 કિલોમીટરનો પ્રવાસ કરશે. તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં 16 દિવસ સુધી આ યાત્રા ચાલુ રહેશે. આ દરમિયાન 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાંથી પસાર થઈને 375 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ‘ભારત જોડો યાત્રા’ 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેસશે.
રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી માટે કરી ભાવુક પોસ્ટ
રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પરથી ગઈકાલે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મા, દાદીએ એકવાર મને કહ્યું હતું કે તેમને તમારા જેવી દીકરી ક્યારેય ન મળી શકી હોત. તેઓ બિલકુલ સાચા હતા. તમારો દીકરો હોવા પર મને ગર્વ છે. આ પોસ્ટમાં રાહુલ ગાંધીએ પોતાના પિતાને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ કરી છે. જેમાં સોનિયા ગાંધી પોતાના સ્વર્ગીય પતિ રાજીવ ગાંધી સાથે દેખાય છે.
3 દિવસ બાદ ફરી ભારત જોડો યાત્રા શરૂ થઈ
નોંધનીય છે કે, દિવાળી અને મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળવા દરમિયાન ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ માટે વિરામ આપવામાં આવ્યો હતો. યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી આ દરમિયાન દિલ્હી પહોંચ્યા હતા. તેઓ મલ્લિકાર્જુન ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બનવાના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT