Dr Atul Chag suicide case: વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર અતુલ ચગ કેસમાં ડોક્ટરના પરિવાર સાથે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ સમાધાન કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે વેરાવળ પોલીસ સ્ટેશનમાં રાજેસ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા ઘણાં સમયથી સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતા.
ADVERTISEMENT
લોહાણા સમાજના અગ્રણીઓએ કરાવ્યું સમાધાન
લોહાણા સમાજના અગ્રણીઓએ બંને વચ્ચે સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લોકસભાની ચૂંટણી પર આ કેસની અસર થતી હોય રાજેશ ચુડાસમાએ લોહાણા સમાજના અગ્રણીઓ અને ભાજપના આગેવાનોની મધ્યસ્થીથી ડોકટર ચગના પરિવાર સાથે સમાધાન કરેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
શું ટિકિટ મળવાનો રસ્તો સાફ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે બંન્ને પક્ષના વકીલોની સલાહ પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિવાદ પૂર્ણ થશે. જોકે, હવે સવાલ એ થાય છે કે આ સમાધાનથી સાંસદ રાજેશ ચુડાસમા પર લાગેલ દાગ સાફ થઈ જશે?, શું સમાધાનથી તેમને લોકસભાની ટિકિટ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે?, શું ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપશે?.
શું છે સમગ્ર મામલો?
12 ફેબ્રુઆરી, 2023ના રોજ વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન પોલીસને તેમના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો.
લોહાણા સમાજે આપ્યા હતા આવેદન પત્રો
જે બાદ પોલીસે સુસાઈડ નોટને એફએસએલમાં તપાસ માટે મોકલી હતી. એફએસએલ રિપોર્ટમાં સ્યુસાઈટ નોટમાં અક્ષર ડો. ચગના હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ બનાવ બાદ લોહાણા સમાજ દ્વારા સાસંદ અને તેમના પિતા સામે ફરિયાદ નોંધવા માટે આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.
અનેક રજૂઆતો છતાં પોલીસને ન નોંધી ફરિયાદ
મૃતક તબીબના પુત્ર હિતાર્થે 17 ફેબ્રુઆરીના રોજ વેરાવળ સિટી પોલીસમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જોકે, પોલીસે ફરિયાદ નહોતી લીધી. ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી. જેથી તેમના પરિવારે હાઈકોર્ટ કોર્ટ ઓફ કન્ટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરી હતી.
હાઈકોર્ટના આદેશ બાદ નોંધાઈ હતી ફરિયાદ
જે બાદ ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ફરિયાદ નોંધાઈ હતી.
ફેબ્રુઆરી 2023માં કર્યો હતો આપઘાત
મૃતક ડો.અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા અને તા. 12.02.2023ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
ADVERTISEMENT