ચેન્નઈ: IPL 2023ની 17મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 3 વિકટથી જીત મેળવી હતી. આ મેચમાં રાજસ્થાનની જીતમાં રવિચંદ્રન અશ્વિનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી, તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. અશ્વિન પહેલા બેટથી 30 રન બનાવ્યા અને બાદમાં બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી. આ મેચ દરમિયાન મેદાન પર ભારે ઝાકળ પડી રહ્યું હતું, જેના કારણે અમ્પાયરોએ જાતે હસ્તક્ષેપ કર્યો અને બીજી ઈનિંગ્સમાં બોલ બદલી નાખ્યો. આ નિર્ણયને લઈને રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન ખુશ નહોતો દેખાયો અને તેણે અમ્પાયરના નિર્ણય સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હવે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવવાનું અશ્વિનને ભારે પડી ગયું છે.
ADVERTISEMENT
BCCIએ અશ્વિનને કર્યો દંડ
BCCIએ એક્શન લેતા રવિચંદ્રન અશ્વિન પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે. એક પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિન પર ટાટા આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયેલી મેચમાં આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવે છે. અશ્વિને આચાર સંહિતાના અનુચ્છેદ 2.7 અંતર્ગત લેવલ-1નો ગુનો સ્વીકારી લીધો છે. આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બાધ્યકારી હોય છે.
અમ્પાયર સામે અશ્વિનને શું વાંધો પડ્યો?
CSK સામે મહેન્દ્ર સિંહ ધોનીની ત્રણ રનની જીત બાદ અશ્વિને અમ્પાયરે કોઈને પૂછ્યા વિના બોલ બદલવા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “ઝાકળને કારણે અમ્પાયરે એકબીજાની વચ્ચે વાત કર્યા પછી બોલ બદલ્યો. આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે. IPL દરમિયાન મેદાન પરના અમ્પાયરો દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી ખૂબ આશ્ચર્ય થયું. મારો કહેવાનો મતલબ એ છે કે તેનાથી મેચનું પરિણામ પણ બદલાઈ શકે છે. અમે બોલ બદલવાનું કહ્યું ન હતું અને અમ્પાયરે તેની મરજીથી તેને બદલી નાખ્યો હતો. જ્યારે મેં અમ્પાયરને તેના વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે, અમે આ કરી શકીએ છીએ.” અશ્વિને વધુમાં કહ્યું કે, જો ઝાકળ પડી રહી હોય તો મેદાન પરના અમ્પાયરો પોતાની મરજી ન ચલાવી શકે. આ માટે તમારે એક ધોરણ તૈયાર કરવું પડશે.
ADVERTISEMENT