Farmers Protest Updates: ખેડૂતોએ 13મી ફેબ્રુઆરી મંગળવારના રોજ ટ્રેક્ટર, બસ અને અન્ય સાધનોથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કર્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સરહદો પર કિલ્લેબંધીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ આજથી બે દિવસ માટે બોર્ડર પર ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સિંધુ બોર્ડર પર કલમ 144 લાગુ
ખેડૂતોની 'દિલ્હી-ચલો' કૂચને લઈને સિંધુ બોર્ડર સહિત પૂર્વોત્તર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ભીડ એકઠી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત બોર્ડર પર કાંટાળા તાર, ક્રેન્સ અને લોખંડના ખીલ્લાઓ લગાવવામાં આવી રહ્યા છે. તો સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
ખેડૂતોને રોકવા હરિયાણામાં રસ્તા ખોદવાની તૈયારી
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે ગત આંદોલન દરમિયાન રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા, આ વખતે પણ રસ્તા ખોદવાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ખેડૂતોની સંખ્યા અને તેમના લોકેશન અનુસાર, 13 ફેબ્રુઆરીની રાત્રે તેનો નિર્ણય લઈ શકે છે. જ્યારે સોનીપત-પાનીપત બોર્ડર, હલ્દાના બોર્ડર અને સોનીપત-દિલ્હી બોર્ડર, કુંડલી બોર્ડર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
લોખંડના બેરીકેટ્સ લગાવાશે
જેમાં પહેલા સિમેન્ટના બેરીકેટ્સ, લોખંડના બેરીકેટ્સ અને પછી કાંટાળા તારની ફેન્સીંગ લગાવવામાં આવશે. 13 ફેબ્રુઆરીએ જો ખેડૂતો હરિયાણામાં પ્રવેશતા અને આગળ વધતા જોવા મળશે તો હલ્દાના અને કુંડલી બોર્ડરની સાથે સોનીપતની નાની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવશે. હાલમાં બોર્ડરની બંને તરફ વાહનોની અવરજવર સુચારૂ છે.
200થી વધુ યુનિયનો કરશે દિલ્હી તરફ કૂચ
સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ એલાન કર્યું છે કે 200થી વધુ ખેડૂત યુનિયન 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરશે. તેના દ્વારા એમએસપી પર કાયદો સહિત અન્ય માંગોને લઈને કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવાની યોજના છે.
ADVERTISEMENT