BAPS Mandir Inauguration: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષિત કરી રહ્યું છે. 27 એકરમાં બનેલું 108 ફૂટ ઊંચું આ મંદિર વાસ્તુશિલ્પનો ચમત્કાર માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
મંદિરની બંને બાજુથી વહે છે પવિત્ર નદીનું જળ
મંદિરના પ્રબંધન અનુસાર, ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું. આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં 'અલ વાકબા' નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે.
અબુ ધાબીમાં 'અલ વાકબા' આવેલું છે આ મંદિર
આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. UAEનું પહેલું હિન્દુ મંદિર 2023માં બનીને તૈયાર થયું, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997માં BAPS સંસ્થાના તત્કાલીન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
શું છે મંદિરની વિશેષતા?
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર 27 એકર જમીનમાં ફેલાયેલું છે. તેમાં રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા કોતરણી કામ કરવામાં આવ્યું છે. મંદિરની અંદર વિવિધ દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરની અંદર સાત મંદિરો છે, જેમાંથી દરેક ભારતના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભાગોના વિવિધ દેવતાઓને સમર્પિત છે. તેમાં ભગવાન રામ અને સીતા, ભગવાન હનુમાન, ભગવાન શિવ-પાર્વતી અને ગણેશ-કાર્તિક, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ અને રાધા, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાનો સમાવેશ થાય છે.
PM મોદી UAEના પ્રવાસે
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની UAEની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું, જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.
ADVERTISEMENT