બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300માંથી બે તૃતિયાંશ સીટો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. આ પહેલા 1991થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે.
ADVERTISEMENT
હજુ પણ ચાલી રહી છે મતગણતરી
શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 300 સંસદીય સીટોમાંથી 200 સીટો જીતી છે. બાકીની સીટો પર હજુ પણ મતગણતરી ચાલી રહી છે, જેના કારણે હજુ સત્તાવાર રીતે પરિણામ જાહેર થયા નથી.
ગોપાલગંજ-3 સીટ પરથી જીત્યા શેખ હસીના
શેખ હસીના તેમની સંસદીય સીટ ગોપાલગંજ-3થી ભારે માર્જિનથી જીત્યા છે. તેમને 2,49,965 મત મળ્યા. જ્યારે તેમના હરીફ એમ. નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 મત જ મળ્યા હતા. ગોપાલગંજ-3 સીટ પરથી શેખ હસીના 1986થી અત્યાર સુધીમાં આઠ વખત જીતી ચૂક્યા છે. આ સાથે શેખ હસીનાએ બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેઓ 2009થી અહીંના વડાપ્રધાન છે.
માત્ર 40 ટકા થયું હતું મતદાન
બાંગ્લાદેશમાં 2018માં યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ 80 ટકા મતદાન થયું હતું. પરંતુ આ વખતે યોજાયેલી સામાન્ય ચૂંટણીનો વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં માત્ર 40 ટકા જ મતદાન થયું. તો અવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાદિરે દાવો કર્યો કે લોકોએ મતદાન કરીને BNP અને જમાત-એ-ઈસ્લામીના બહિષ્કારને નકારી કાઢ્યો.
ઘણી જગ્યાએ બની હતી હિંસક ઘટનાઓ
ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ બની હતી. રવિવારે પણ મતદાન દરમિયાન દેશભરમાં 18 સ્થળોએ આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાંથી 10 મતદાન મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
વિપક્ષોએ કર્યો હતો ચૂંટણીનો બહિષ્કાર
પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતાઓએ ચૂંટણીને ફેક ગણાવી છે. BNPએ 2014ની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો. જોકે, પાર્ટીએ 2018માં ચૂંટણી લડી હતી. આ વખતે પણ બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેની સાથે-સાથે 15 રાજકીય પક્ષોએ પણ તેનો બહિષ્કાર કર્યો હતો. BNPએ 48 કલાકની હડતાળનું પણ કરી હતી, જેમાં તેણે લોકોને મતદાન ન કરવાની અપીલ કરી હતી. BNP નેતાઓ દાવો કરે છે કે ઓછું મતદાન એ સાબિતી છે કે તેમનો બહિષ્કાર સફળ રહ્યો.
ADVERTISEMENT