અમદાવાદ: શહેરમાં કાંકરિયા ખાતે ચાલી રહેલા કાર્નિવલમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતી પુસ્તકો વહેંચનારા મિશનરીઓને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ માર માર્યો હતો. છેલ્લા 4 દિવસથી ઝૂના એન્ટ્રી ગેટ પાસે મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જેની માહિતી મળતા જ બજરંગદળના પ્રમુખ જવલીતભાઈ મહેતાની આગેવાનીમાં 20 જેટલા કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને વટાળપ્રવૃત્તિ બંધ કરાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
ADVERTISEMENT
કાર્નિવલમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરાતો હતો
વીડિયોમાં દેખાય છે કે, એક વ્યક્તિ કાંકરિયા કાર્નિવલમાં ખ્રિસ્તી ધર્મની પત્રિકા વેચી રહ્યો છે. જે જોઈને બજરંગદળના કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ જાય છે. અને એક વ્યક્તિ કહે છે કે, તમારા ચર્ચમાં જઈને ધર્મનો ફેલાવો કરો, તમે લોકોના માઈન્ડવોશ કરી રહ્યા છો. લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંથી નીકળો. આ સાથે જ લાફો પણ મારી દે છે. આ સાથે અન્ય કેટલાક જે લોકો પત્રિકા વહેંચી રહ્યા હતા તેમને પણ ત્યાંથી ભગાડી દે છે. વીડિયોમાં શાંતાક્લોઝ બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહેલા બે યુવાનોને પણ બજરંગદળના કાર્યકર્તાઓ મારતા મારતા બહાર કાઢતા દેખાય છે. જ્યારે તેમની સાથે રહેલા લોકોને પણ ત્યાંથી ભગાડતા દેખાય છે.
ADVERTISEMENT