હિરેન રવૈયા/અમરેલી: રાજ્યમાં રોજે રોજ નગરપાલિકાના દેવાળું ફૂંકવાની ખબરો સામે આવી રહી છે. સમયસર વીજબિલ પણ ન ભરી શકવાના કારણે અત્યાર સુધીમાં ઘણી નગરપાલિકાઓના લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ વચ્ચે બગસરા નગરપાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યોનો રૂ.10-10 હજારની વહેંચણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે. અત્યાર સુધી સદસ્યોને દર મહિને નિશ્ચિત રકમની વહેંચણી થતી હોવાની ચર્ચાઓ હતી, ત્યારે વીડિયો સામે આવતા હવે સત્તાધીશો ખુલાસો કરવા માટે મેદાનમાં આવવું પડ્યું છે.
ADVERTISEMENT
અંદરખાને ચાલતા વહીવટની ચર્ચા
અમરેલી જિલ્લામાં બગસરા નગરપાલિકાના સદસ્યોને દર મહિને નિશ્ચિત રકમ આપવામાં આવતી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. પાલિકામાં કરોડોની ગ્રાન્ટ તો આવે છે પરંતુ સદસ્યોએ કોઈ વિવાદ કર્યા વિના જરૂર પડે ત્યાં સહી કરવાની અને બદલામાં દર મહિને તેમને નિશ્ચિત રકમ મળી જાય. પાલિકામાં અંદરખાને ચાલતા આવા વહીવટની ચર્ચાઓ વચ્ચે સત્તાધારી ભાજપના 20 સદસ્યોનો વીડિયો સામે આવ્યો છે.
એક સદસ્યએ પૈસા ન લેતા 19 ભાગ પડ્યા
વીડિયોમાં વાતચીત દરમિયાન એક સદસ્ય પૈસા ન લેતા હોવાનો ઉલ્લેખ થાય છે. જે બાદ 19 ભાગ પાડવામાં આવે છે. દરેક સદસ્યોને ગણી ગણીને 10 હજાર રૂપિયા આપવાની વાત પણ વીડિયોમાં સ્પષ્ટ પણ સંભળાય છે. ત્યારે હવે પૈસા લેતો વીડિયો સામે આવતા પાલીકાના ઉપ પ્રમુખ બચાવમાં ઉતર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વિધાનસભા ચૂંટણી પહેલાનો છે. જેમાં સદસ્યોને વાહનો, નાસ્તા તથા મીટિંગો દરમિયાન થયેલા ખર્ચની રકમ આપવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT