સુરત: સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર સીમાડા નાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મનોજ સોરઠિયા અમદાવાદથી સુરત ગણેશ મંડપની તૈયારીની સમીક્ષા કરવા માટે ગયા હતા. એટલામાં કેટલાક લોકોએ હાથમાં લાકડી તેઈને તેમના પર હુમલો કરી દીધો હતો.
ADVERTISEMENT
ગણેશ મંડપની મુલાકાત લેવા અમદાવાદથી સુરત પહોંચ્યા હતા
આમ આદમી પાર્ટી દ્વારા ફેસબુક પર લાઈવ કરીને આ અંગે જણાવવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું છે કે, “સુરતમાં આપના કાર્યકર્તાઓ દ્વારા ગણેશ મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત લેવા મનોજ સોરઠિયા આવ્યા હતા. તેઓ મંડપની તૈયારીની સમીક્ષા કરી રહ્યા હતા. તેમની સાથે સુરતના આપના મંત્રી પરિમલભાઈ પણ રાઉન્ડ મારવા ગયા હતા.”
હુમલાખોરોએ ચશ્મા તોડી નાખ્યા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો
વીડિયોમાં વધુમાં કહેવાયું છે કે, “આ સમયે અમુક ભાજપના અસામાજિક તત્વો પહેલાથી તૈયાર હતા. તેમણે મનોજભાઈના ચશ્મા ખેંચી લીધા, મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો અને સીધો જ હુમલો કરી લીધો. લાકડાના ફટકા મારવા લાગ્યા. અમે વચ્ચે પડ્યા છતાં મોટું ટોળું હતું. 8થી 10 જેટલા લોકો હતા. જેમાં દિનેશ દેસાઈ નામનો માથાભારે વ્યક્તિ પણ હતો. તેણે હુમલો કર્યો, તેની સાથે બીજા દારૂ પીધેલા લોકો હતા. અમને બધા લોકોને મારવાનો પ્રયાસ કર્યો. તેમણે મનોજભાઈને ટાર્ગેટ બનાવ્યા અને માથામાં ઘા માર્યો અને તેમને મારી નાખવા આખી તરકીબ બનાવી હતી.”
કેજરીવાલે દોષિતોને સજા કરવા કરી અપીલ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રકારે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિયોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.
મનોજ સોરઠિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના માથામાં ઊંડો ઘા પડ્યો હોવાના કારણે લોહીલુહાણ થઈ ગયા હતા. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા મનોજ સોરઠિયાને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT