દર્શન ઠક્કર, જામનગરઃ રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે જેને ઘણા દિવસો વીતિ ગયા છે. નવી સરકારે કામની તમામ તૈયારીઓ શરુ કરી છે. હવે સરકાર પોતાના વિઝનને ખરા અર્થમાં અમલી બનવવાના રસ્તા પર કામગીરી કરી રહી છે. આ વાત તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્કલેવ ઓફ સિટી લીડર્સને સંબોધતા ગાંધીનગરમાં કહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ પરિસંવાદમાં જામનગરના મહાનુભવોને બોલાવવામાં આવ્યા હતા. અને આ જ મહિનાના અંત સુધીમાં જામનગર મહાનગરપાલિકાનું બજેટ પણ રજૂ કરવામાં આવશે. જેને લઈને હાલ ચર્ચાઓ ખુબ ચાલી રહી છે.
ADVERTISEMENT
ગત્ 30મીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી દ્વારા કોન્કલેવ ઓફ સિટી લીડર્સ બોલાવવામાં આવી હતી. આ પરિસંવાદમાં જામનગર સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાનાં મેયર સહિતના પદાધિકારીઓને તથા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમ જ રાજ્યની ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનાં સંબંધિતોને બોલાવવામાં આવ્યા હતાં અને હવે પછી રાજય સરકારનો એજન્ડા શું છે ?! કયા કામોને પ્રાધાન્ય આપવાનું છે ? હવે પછીનાં 25 વર્ષનું સરકારનું વિઝન શું છે.? વગેરે બાબતો પર મુખ્યમંત્રીએ તથા અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત સૌને ચોક્કસ મેસેજ આપ્યો, જરૂરી સંકેતો આપ્યા, ઉપયોગી માર્ગદર્શન આપ્યું અને કડક સૂચનાઓ પણ સારાં શબ્દોમાં આપવામાં આવી.
મહાનગરપાલિકાઓએ ઘડવુ પડશે 25 વર્ષનું વિઝન
આ પરિસંવાદમાં જામનગરથી મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતાં.આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની આ પાંચ વર્ષની ટર્મમાં આપણે સૌએ ગુજરાતનાં વિકાસનાં આગામી 25 વર્ષનાં અસરકારક વિઝન સાથે આગળ વધવાનું છે. એ માટે તમામ શહેરોમાં ભૂગર્ભ ગટર, પાણી, આવાસ યોજના સહિતનાં મહત્વનાં કામોની 25 વર્ષની બ્લ્યુ પ્રિન્ટ ઘડી કાઢવાની રહેશે અને તેની પ્રથમ ઝલક આગામી વર્ષ 2023/24નાં નાણાંકીય બજેટમાં પ્રતિબિંબીત થવી આવશ્યક છે. Mysamachar.in સાથેની વાતચીતમાં મેયર બિનાબેન કોઠારીએ આમ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, આ માટે રાજય સરકારમાંથી વિવિધ ગ્રાન્ટસ મળતી રહેશે અને સા-થેસાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ વિકાસકાર્યો માટે આવકો વધારવા પર પણ ધ્યાન આપવાનું રહેશે, એમ મુખ્યમંત્રીએ પરિસંવાદમાં જણાવ્યું હતું. મેયરે વધુમાં જણાવ્યું છે કે, એક અર્થમાં આ પરિસંવાદ તમામ શહેરોની કામગીરીની રિવ્યૂ બેઠક હતી.
મુખ્યમંત્રીએ ગર્ભિત રીતે શું કહ્યું ?
ગાંધીનગરમાં યોજાયેલાં આ પરિસંવાદમાં ખરેખર તો મુખ્યમંત્રીએ એક અર્થમાં જામનગર સહિતની તમામ મહાનગરપાલિકાઓને સાનમાં એમ સમજાવ્યું કે, સરકારમાંથી મળતાં નાણાંનો કોર્પોરેશનોએ, નગરપાલિકાઓએ યોગ્ય અને પરિણામલક્ષી ઉપયોગ કરવાનો રહેશે. નાણાંનો વેડફાટ અટકાવવાનો રહેશે. આવકનાં નવા સ્ત્રોતો વિકસાવવા જોઈશે. જરૂર પડ્યે કર-વેરાઓ વધારી શકાશે. કર-વસૂલાત ઝડપી અને એકધારી બનાવવી જરૂરી રહેશે. અને, વિકાસકામોની ગતિ વધારવી જોઈએ તથા શહેરોનું પ્લાનિંગ અદભૂત બનાવવું જોઈએ, અત્યંત આધારભૂત સૂત્રોનાં કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીએ પરિસંવાદમાં આમ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આગામી સમયમાં ‘આત્મનિર્ભર’ બનવું પડશે. રાજય સરકાર પરનું નાણાં અવલંબન લાંબો સમય ચાલી શકે નહીં.
મુખ્યમંત્રીની આ ગર્ભિત તાકીદનો અર્થ એવો પણ કરી શકાય છે કે, જામનગર સહિતની મહાનગરપાલિકાઓએ આવકો વધારવા કર-દર વધારા સહિતનાં ઉપાયો, આગામી(આ મહિનાનાં અંતમાં આવનારા)બજેટમાં અપનાવવા પડશે. એટલે કે, આગામી બજેટમાં જામનગરમાં વેરાવધારો પણ આવી શકે છે !? આપણે સૌએ તૈયાર રહેવું પડશે.
શું જામનગરમાં વધશે વેરો ?
જો કે બજેટમાં વેરાવધારાની સંભાવનાઓ અંગે મેયર બિનાબેન કોઠારીએ કહ્યું છે કે, આગામી સમયમાં કમિશનર તરફથી કર-દર ફેરફાર અંગે શું દરખાસ્ત આવે છે ? તેનો અભ્યાસ કરી, યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત મેયરે એમ પણ જણાવ્યું હતું કે, વેરા વસૂલાત પણ અસરકારક રીતે હાથ ધરવામાં આવશે. જો કે હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે જ. નગરજનો, અત્રે એ પણ નોંધનીય છે કે કોર્પોરેશનની કરોડોની વેરા વસૂલાત લાંબા સમયથી બાકી છે ! જેમાં સરકારી ઈમારતો પાસેથી વસૂલવાના વેરાઓનો પણ સમાવેશ થાય છે.જે દિશામાં પણ આવનાર સમયમાં વધુ કાર્યવાહી થશે તેમ જાણવા મળે છે.
ADVERTISEMENT