હસમુખ પટેલ/સાબરકાંઠા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો પોત પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે. તાજેતરમાં જ અશ્વિન કોટવાલ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, જ્યાં તેઓ પોતાને સવાલ પૂછનારા મતદારો સામે રોફ મારતા જોવા મળ્યા હતા. અશ્વિન કોટવાલનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિજયનગરમાં મત માગવા ગયા હતા અશ્વિન કોટવાલ
આ વીડિયોમાં અશ્વિન કોટવાલ મત માગવા માટે વિજયનગરના જોરાવર નગરમાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે જાહેર સંવાદ કરી રહ્યા હતા. જેમાં સ્થાનિકોએ ગામમાં શિક્ષણ, રોજગારી વિશે પ્રશ્ન કર્યો હતો, તો નેતાજીએ કહ્યું કે, સરકાર આવશે ત્યારે હું તેમને રજૂઆત કરીશ.પરંતુ અશ્વિન કોટવાલનો ઉત્તર સ્થાનિકોને ગળે ઉતર્યો નહોતો. આથી એક વ્યક્તિ કહે છે કે, તમારો જવાબ સારો નથી. ત્યારે અશ્વિન કોટવાલ કહે છે, મારો જવાબ સારો જ છે. હું તમને જવાબ આપવા બંધાયેલો નથી. મેં મત માગવા માટે જે માગણી કરી, ગામને યોગ્ય લાગશે તો મને મત આપશે. સ્થાનિક લોકો સાથે ઉગ્ર ચર્ચા બાદ આખરે તેઓ ત્યાંથી ચાલતી પકડે છે.
તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા
નોંધનીય છે કે, છેલ્લા 3 ટર્મથી ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા અશ્વિન કોટવાલ આ વર્ષે જ મે મહિનામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે પક્ષ છોડતા સમયે પાર્ટીથી નારાજ હોવાનું જણાવ્યું હતું અને પાર્ટીની NGO આદિવાસી સમાજને ગુમરાહ કરતી હોવાનું પણ કહ્યું હતું અને PM મોદીના પણ વખાણ કર્યા હતા. ત્યારે ખેડબ્રહ્મામાંથી ભાજપે આ વખતે તેમને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે.
ADVERTISEMENT