રાજકોટઃ રવિવારે સાંજે ઝૂલતો પૂલ તૂટી પડતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા. આ દરમિયાન રેસ્ક્યૂ ટીમ સતત બચાવ કામગીરીમાં લાગેલી છે. ત્યારે આ મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ શોક વ્યક્ત કર્યો છે. તેઓ અત્યારે રાજકોટમાં છે અને ત્યાંથી અશોક ગેહલોતે પીડિત પરિવારને વધારે વળતર આપવા માટે સરકાર સમક્ષ માગણી કરી છે. કહ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હજુ વધારે વળતર આપી શકે છે. આની સાથે રવિવારે અશોક ગેહલોતે ગુજરાતની રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે ઈન્ક્વાયરી બેસાડવા માટે ટકોર કરી હતી.
ADVERTISEMENT
સરકારે હજુ વધારે વળતર આપવું જોઈએ- ગેહલોત
અશોક ગેહલોતે મોરબી દુર્ઘટનામાં પીડિત પરિવારોને મળતી રકમ વિશે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત થઈ છે. આ રકમ અપર્યાપ્ત છે. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની સહાય તો રાજ્ય સરકારે જ કરવી જોઈએ અને ત્યારપછી 5 લાખ રૂપિયાની સહાય PM રિલિફ ફંડથી પરિવારજનોને આપવી જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું હતું કે મારા મત મુજબ તો આ રકમ પણ ઓછી કહેવાય કારણ કે આ નિર્દોષ લોકોનો કોઈ વાંક જ નહોતો.
આ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી- ગેહલોત
અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ નથી. તેમની કોઈ ભૂલ જ નથી. વળી આમ જોવા જઈએ તો આ ઘટના પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. સ્થાનિક લોકોએ જેવી રીતે બચાવ કામગીરીમાં સહાય કરી છે એ ધન્યવાદને પાત્ર છે. ઓથોરીટિએ ધ્યાન રાખવા જેવું હતું કે જ્યાં સુધી અનુમતિ નથી મળતી ત્યાં સુધી લોકોને અનુમતિ ન આપવી જોઈએ.
With Input – નિલેષ શિશાંગીયા
ADVERTISEMENT