અમદાવાદ: ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા છેલ્લી ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે. બીજા તબક્કાની 93 બેઠકો પર મતદારોને રીઝવવા માટે એક બાદ એક મોટા નેતાઓ પ્રચાર કરવા ગુજરાત આવી રહ્યા છે. ગઈકાલે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. જોકે શાહપુરમાં તેમનો ભારે વિરોધ થયો હતો અને ‘ઓવૈસી Go Back’ના નારા લાગ્યા હતા. સાથે જ સ્થાનિકોએ કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
શાહપુરમાં ઓવૈસી વિરુદ્ધ નારા લાગ્યા
અમદાવાદના જમાલપુર-ખાડીયાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા અસદુદ્દીન ઓવૈસી આવ્યા હતા. તેઓ અલગ-અલગ વિસ્તારમાં ચાલતા જ પ્રચાર કરવા નીકળ્યા હતા. જોકે શાહપુર મિલ કમ્પાઉન્ડમાં મુસ્લિમ વોટર્સ દ્વારા જ તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અને ‘ઓવૈસી Go Back’ના નારા લગાવ્યા હતા. સાથે જ કાળા વાવટા બતાવીને ઓવૈસીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમણે ત્યાંથી ચાલતી પકડી હતી.
અગાઉ સુરતમાં પણ થયો હતો વિરોધ
નોંધનીય છે કે, આ પહેલા ગોધરામાં પણ AIMIMનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે સુરતમાં પણ ઓવૈસીની સભામાં કેટલાક યુવકોએ કાળા વાવટા ફરકાવીને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. ત્યારે ફરી એકવાર ઓવૈસીને અમદાવાદમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે AIMIM વિરુદ્ધ લોકોમાં જ કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી તરફ AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાનો પણ તેમના જ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ થયો હતો.
ADVERTISEMENT