વિપુલ ચૌધરીની ધરપકડ બાદ મોટી કાર્યવાહી, અર્જુન મોઢવાડિયા-શંકરસિંહ વાઘેલાને કોર્ટમાં હાજર રહેવા તેડું

અમદાવાદ: ભ્રષ્ટાચારના આરોપમાં ધેરાયેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાને સાક્ષી સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓને…

gujarattak
follow google news

અમદાવાદ: ભ્રષ્ટાચારના આરોપમાં ધેરાયેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાને સાક્ષી સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓને 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે હજુ સુધી તેમને સમન્સ મળ્યું નથી પરંતુ મીડિયામાં આ અંગેના અહેવાલો ચાલી રહ્યા છે.

દૂધનો પાઉડર મોકલી પૈસા ઉચાપત કર્યાનો આરોપ
મહારાષ્ટ્રના મરાઠાવાડામાં દુષ્કાળ પડ્યો ત્યારે શરદપવાર કેન્દ્રિય મંત્રી હતા. આ સમયે અમૂલ તરફથી દૂધ સાગર ડેરીને મહારાષ્ટ્રને રૂ.42 કરોડનો દૂધનો પાઉડર મોકલવા ઓર્ડર અપાયો હતો. આક્ષેપ છે કે વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાંથી દૂધનો પાઉડર મોકલી આ રૂ.42 કરોડ ડેરીના એકાઉન્ટમાં જમા ન કરાવીને ઉચાપત આચરી હતી. આ મામલે હવે મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને સાક્ષી સમન્શ પાઠવવામાં આવ્યું છે.

વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
નોંધનીય છે કે, રૂ. 700 કરોડના ભ્રષ્ટાચારના આરોપમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ACBએ બુધવારે મોડી રાત્રે અટકાયત કરી હતી. ગઈકાલે જ તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા વિપુલ ચૌધરીના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેવી રીતે સામે આવ્યું કૌભાંડ?
વર્ષ 2020માં દૂધસાગર ડેરીનો સ્પેશ્યલ ઓડિટ કરાયો હતો. આ ઓડિટમાં જાણકારી સામે આવી હતી તેને રજીસ્ટ્રાર વિભાગને મોકલવામાં આવી હતી. તેના આધારે જ તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી હતી અને તેના પ્રાથમિક અહેવાલમાં બેંક એકાઉન્ટ દસ્તાવેજમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું.

 

    follow whatsapp