કામિની આચાર્ય/મહેસાણા: બહુચર્ચિત વિપુલ ચૌધરીના સાગરદાણ પ્રકરણમાં કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા કોર્ટના સમન્સને પગલે હાજર થયા હતા. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવાના કેસમાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ અગાઉ ફરિયાદ થઈ હતી અને વિપુલ ચૌધરીને જેલમાં પણ મોકલી અપાયા હતા.
ADVERTISEMENT
સાગરદાણ પ્રકરણમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી
2013માં મહેસાણા દૂધ સાગર ડેરીમાંથી તે સમયના ચેરમેન વિપુલ ચૌધરીએ મુંબઈ ખાતે સાગરદાણ મોકલી આપ્યું. જે સંબંધે થયેલા વિવાદ વચ્ચે કરોડોના કૌભાંડ પ્રકરણમાં પોલીસ ફરિયાદ થઈ હતી અને જે તે સમયે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી. મુંબઈમાં સાગરદાણ મોકલવા બાબતે અપાયેલી મંજૂરી સંબંધે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને કોર્ટમાં હાજર રહેવા નોટિસ અપાઈ હતી. મહેસાણા કોર્ટે સાક્ષી તરીકે કાઢેલા સમન્સના આધારે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા મહેસાણા ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ બી.પી મહિડા સમક્ષ હાજર થયા હતા.
કોર્ટનું સમન્સ મળતા બંને નેતાઓ પહોંચ્યા હતા
કોંગ્રેસી આગેવાન અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસી ટેકેદારો સાથે મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. જેમાં શંકરસિંહ વાઘેલાએ કોર્ટ સમક્ષ સિસ્ટમના ભાગરૂપે તે લાયક હતા તે માટે મેં ભલામણ કરી હોવાની જુબાની આપી હતી.
કોર્ટમાં શું જુબાની આપી?
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોર્ટમાંથી બહાર નીકળી જણાવ્યું હતું કે, અમને જે યોગ્ય લાગે તે નામો ભલામણ કરવાનો તે વખતે ડોક્ટર કુરિયન અને ત્રિભોવન દાસનું જે વિઝન હતું કે, તેમાં બ્યૂરોક્રેટ્સ ન હોવા જોઈએ અને ટેકનોક્રેટ્સ અને પ્રજાના પ્રતિનિધિ હોય તેવા ચેરમેન હોવા જોઈએ. જેથી ફાઈલોની અંદર આ દૂધની ક્રાંતિ અટકી ન જાય. એટલા માટે અમે તે સમયે દૂધ સાગર ડેરીના ચેરમેન અને જે તે વખતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગના ચેરમેન વિપુલ ચૌધરી હતા તેમની ભલામણ કરી હતી અને તે ભલામણ અમે જુદા જુદા સહકારી આગેવાનો, પ્રજાના પતિનિધિઓ અને પશુપાલકો સાથે ચર્ચા કરીને કરી હતી અને બાબતે પત્રો પણ લખ્યા હતા. તે અંગે કોર્ટનું સમન્સ હતું અને અમે કોર્ટમાં પણ આ જ વાત કરી છે.
ADVERTISEMENT