અનોખી પરંપરા: ગુજરાતના આ મંદિરમાં થઈ અન્નકૂટની લૂંટ, દર વર્ષે 85 ગામના લોકો લૂંટી જાય છે પ્રસાદ

હેતાલી શાહ/ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને…

gujarattak
follow google news

હેતાલી શાહ/ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ભગવાન રાજા રણછોડને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને ત્યારબાદ મંદિર દ્વારા આમંત્રણ આપેલા 85 જેટલા ગામના લોકો આ અન્નકૂટ લૂંટતા હોય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત છે.

151 મણનો અન્નકૂટ લોકો લૂંટી ગયા
નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં એક અલગ જ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. જ્યાં ડાકોર મંદિરમાં 151 મણનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે. અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી આ પ્રથામાં વહેલી સવારે ભગવાન રાજા રણછોડની મંગળા આરતી બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવ્યું, ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા હતા.

85 ગામના લોકોને મંદિર દ્વારા આમંત્રણ અપાયું હતું
બપોરના સમયે ભગવાનનું મંદિર બંધ કરી અંદરના ભાગે ભગવાનની સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવ્યો. આ અન્નકૂટની સામગ્રીની વાત કરીએ તો બુંદી, ભાત અને અલગ અલગ અનેક મીઠાઈઓ સાથે સાથે ભગવાનને ધરાવામાં આવતો જે રાજભોગ છે તે પીરસવામાં આવે છે. અગાઉથી જ મંદિર દ્વારા આજુબાજુના 85 જેટલા ગામના લોકોને આ અન્નકૂટ પ્રસાદી લૂંટવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તો આજના દિવસે આજુબાજુના 85 જેટલા ગામના લોકો પોતાનો હક સમજી આ અન્નકૂટ હોંશે હોંશે લૂંટી જતા હોય છે. અને પોતાના સગાવાલાને પ્રસાદી સ્વરૂપે મોકલતા હોય છે.

મંદિરના દ્વાર ખૂલતા જ લોકોએ તરાપ મારી
સમગ્ર પ્રથામાં સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટ પીરસી અને મંદિરના જે મુખ્ય દ્વાર હોય છે, તે ખોલી દેવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ બહાર ઉભેલા પ્રસાદ લૂંટવા આવેલા લોકો દ્વારા ચિત્તાની જેમ અન્નકૂટ ઉપર તરાપ મારવામાં આવતી હોય છે. અને પ્રસાદી લૂંટી એને પોતાના ઘરે જતા જતા બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી આપતા હોય છે.

    follow whatsapp