અનોખા સમુહ લગ્ન, હિન્દુ-મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, ગ્રામજનોએ સ્વયંસેવક બની મહેમાનોને સાચવ્યા

હેતાલી શાહ/આણંદ: ગુજરાતમાં હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે અને ચૂંટણીમાં હિન્દુત્વની સૌથી વધુ વાત કરવામાં આવી હતી. ચૂંટણીમાં ભાજપે ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવ્યું…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ: ગુજરાતમાં હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે અને ચૂંટણીમાં હિન્દુત્વની સૌથી વધુ વાત કરવામાં આવી હતી. ચૂંટણીમાં ભાજપે ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવ્યું હોવાનું વાતાવરણ પણ જોવા મળ્યું, પરંતુ આણંદ જિલ્લાના ઉમેટા ગામમાં હિન્દુ-મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તમે કહેશો કે સમૂહ લગ્નના આયોજનમાં શું ખાસ છે, તો ખાસ વાત એ છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના યુગલોએ લગ્ન કર્યા. આવો જાણીએ આ અનોખા લગ્નનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શ્રીલંકાને 13 રનની જરૂર હતી, છતાં છેલ્લી ઓવર અક્ષર પટેલ પાસે જ કેમ નખાવી? હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો

ઝરિયાહ ફાઉન્ડેશને કર્યું સમુહ લગ્નનું આયોજન
ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન દરરોજ થાય છે, પરંતુ આ સમૂહ લગ્નમાં હિન્દુ અને મુસ્લિમ બંને યુગલોએ લગ્ન કર્યા હતા. જેના કારણે આજે સર્વત્ર સમૂહ લગ્નની ચર્ચા ચાલી રહી છે. ઉમેટા ગામમાં ઝરિયાહ ફાઉન્ડેશન દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ બે વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે આ ફાઉન્ડેશને કોમી અખંડિતતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. કારણ કે આ વખતે આ ફાઉન્ડેશને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.

57 મુસ્લિમ અને 10 હિન્દુ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
આ લગ્નનું આયોજન થતાં જ સમૂહ લગ્નમાં કુલ 67 યુગલોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 57 મુસ્લિમ અને 10 હિન્દુ યુગલો હતા. ઝરિયાહ ફાઉન્ડેશનના સ્થાપક અલ્લારખા વોહરા, ફારૂક વોહરા અને સઈદ વોહરાના નેતૃત્વ હેઠળની એનજીઓએ આ આયોજન કર્યું હતુ. ઝરિયાહ ફાઉન્ડેશનના સ્થાપક અલ્લારખા વોહરાએ આ પ્રસંગે જણાવ્યું, “ઝરિયાહ તેના નામ પ્રમાણે જ સારૂં કરવા અને સમાજને પરત આપવાનું માધ્યમ છે. અમને ખુશી છે કે અમે આટલી બધી દીકરીઓને મદદ કરી શક્યા અને તેમના યાદગાર લગ્ન કરાવી શક્યા. આ તમામનું આગળનું જીવન સુખમય રહે તેવી અમે આશા ધરાવીએ છીએ. અમે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપીએ છીએ અને સંયુક્ત સમાજ તરફ એક પગલું ભરીએ છીએ.”

આ પણ વાંચો: BJP સાંસદે ગુજરાતની સરકારી હોસ્પિ.ના વખાણ કર્યા, આરોગ્ય મંત્રીની સારવાર વિશે પૂછતા શું બોલ્યા?

ગામના જ 600 લોકોએ સ્વયંસેવક તરીકે સેવા આપી
ઝરિયાહ ફાઉન્ડેશન શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસને લગતા ઉદ્દેશ્ય માટે પાયાના સ્તરે ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે. અને દૂરસ્થ વિસ્તારોમાં શાળાઓ અને આરોગ્યસંભાળ સુવિધાઓની પ્રસ્થાપિત કરવામાં પોતાનો સહયોગ વિસ્તાર્યો છે. ફાઉન્ડેશને અનેક મંદિરો અને મસ્જિદો પણ બનાવી છે. આ ફાઉન્ડેશન છેલ્લા 8 મહિનાથી સમૂહ લગ્નના આયોજનની તૈયારી કરી રહ્યું હતું. ગામના લોકો જાતે જ તૈયારીમાં લાગી ગયા અને તૈયારીમાં મદદ કરવા લાગ્યા. અહીં ઉમેટ ગામમાં, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના આશરે 600 લોકોએ સ્વયંસેવક તરીકે કાર્ય કર્યું, જેથી આ લગ્ન સરળતાથી પૂર્ણ થઈ શકે અને એ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં લગ્નની વિધિઓ શરૂ થઈ. એક પછી એક લગ્નની વિધિઓ થઈ અને તમામ યુગલો લગ્નના બંધનમાં બંધાયા.

લગ્નના આયોજન થકી કોમી એકતાનો દાખલો બેસાડ્યો
નવપરિણીત યુગલોએ ગુજરાત Tak સાથે વાત કરી અને જણાવ્યું કે, આ પ્રકારનો કાર્યક્રમ અહીં પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યક્રમે કોમી એકતાનો દાખલો બેસાડ્યો છે.અહીં આ કાર્યક્રમનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આજે બધા એક સાથે હોય અને આ ઇવેન્ટ સફળ પણ રહી હતી.

બોલિવૂડ સેલેબ્રિટી પણ લગ્નમાં હાજર રહી
પ્રખ્યાત બોલિવૂડ દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન, અભિનેતા અર્જુન રામપાલ તેમજ બોલિવૂડની ઘણી હસ્તીઓ ઉમેટા ગામમાં જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં યુગલને અભિનંદન આપવા માટે હાજરી આપી હતી. જ્યાં તમામ કલાકારોએ ઉપસ્થિત લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને લોકોનું મનોરંજન કર્યું હતું તેમજ નવવિવાહિત યુગલોને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં હિન્દુત્વની સૌથી વધુ વાતો કરવામાં આવી હતી, પરંતુ આ વાતો માત્ર ચૂંટણી પુરતી જ સીમિત રહી હતી, આવો માહોલ ગુજરાતના આણંદ જિલ્લાના ઉમેટા ગામમાં જોવા મળ્યો હતો. આ અનોખા લગ્નમાં ગામના સાત હજાર લોકોએ પણ ભાગ લીધો હતો જેના કારણે આ સમૂહ લગ્ન આજે કોમી એકતાનું ઉદાહરણ બની ગયું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp