ગાંધીનગર: રાજ્ય સરકારે જંત્રી સર્વેની કામગીરી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઈ તમામ જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ યોજીને તેમના સૂચનો મેળવવા મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. 11 વર્ષ પછી નવી જંત્રી અમલમાં આવી રહી હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. નવી જંત્રીનો અમલ કરતા પહેલા તેના દર સુધારવા માટે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
11 વર્ષ બાદ જંત્રીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જંત્રી સર્વેની કામગીરી પૂર્વે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મીટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના પણ આપવામાં આવી છે. ત્યાર બાદ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
મહેસૂલ વિભાગે વર્ષ 2011માં કર્યું હતું આ કામ
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. જો કે તે ભાવ ખૂબ ઉંચા હોવાથી વિરોધ થતા અને સરકારમાં રજૂઆત કરાતા તેને ધ્યાનમાં લઇને 18 એપ્રિલ 2011 માં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે.
આ કારણે 11 વર્ષથી કઈ ફેરફાર ન થયો
મહેસૂલના ઠરાવ મુજબ જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરીને દર વર્ષે નવી જંત્રી બહાર પાડવાનું નક્કી કરાયેલું છે. જો કે લાંબા સમયથી વિવિધ કારણસર જમીન-મકાનના ભાવમાં વધારો થવાથી સામાન્ય નાગરિકોને બોજો ન આવે અને રાજકીય લાભાલાભ જોઇને 11 વર્ષથી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે 2019 ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેની આગામી બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી શકે છે.
નિર્ણયથી સરકારની તિજોરી ભરાશે
જંત્રીના દર સુધારવાના નિર્ણય પાછળ સરકારની આવકમાં વધારો કરવાનું કારણ મુખ્ય છે. આ સાથે 11 વર્ષ જૂના દર અને હાલના બજાર ભાવમાં મોટો ફરક હોવાથી અનેક મુશ્કેલીઓ સર્જાય છે. અને સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ભારે નુકસાન પણ થઇ રહ્યું છે. રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન, નેશનલ હાઇવે સહિતના મોટા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા સમયે બીનખેતીના કામમાં ખેતીની જમીન ખરીદાય તો ખેડૂતોને જંત્રીના દર નીચા હોવાથી નુકસાન પણ જતું હોય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT