અમરેલી: ગુજરાતમાં છાસવારે રોડ-રસ્તામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠતા હોય છે. ત્યારે અમરેલીમાં પણ તાજેતરમાં નવા બનાવેલા બાયપાસ રોડ નબળી ગુણવત્તાનો હોવાનો વીડિયો વાઈરલ થઈ હતો. સ્થાનિક વ્યક્તિએ નવા બનેલા રોડ અને પુલની સાઈડો હાથ અડાડતા જ તૂટી જતા તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ અમરેલીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય મહેશ કસવાલા તપાસ માટે પહોંચ્યા હતા. રોડ અને દિવાલોની ગુણવત્તા ખરાબ જણાતા ત્યાં જ તેમણે એન્જિનિયરને ફોન કરીને ઉધડો લીધો હતો.
ADVERTISEMENT
રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ધારાસભ્ય જાતે નિરિક્ષણ કરવા પહોંચ્યા
અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલા બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હલકી ગુણવત્તાનું કામ જોતા એન્જિનિયરને ફોન કરીને ખખડાવ્યો હતો. ધારાસભ્યએ એન્જિનિયરને કહ્યું કે, અત્યારે જ અહીં આવો અને બધું ચેક કરો. સાંજે મને ફોન કરીને જવાબ આપો. નહીંતર 3 દિવસમાં તમારી ખેર કરી નાખીશ. આવું કામ કરો છો પૈસાની ભાગ-બટાઈમાં તમે? સામાન્ય માણસને પણ આ ખબર પડે. હાલ જ કામ બંધ કરાવો, તમને અને કોન્ટ્રાક્ટર બંનેને જેલ ભેગા કરી દઈશ, સમજી લેજો તમે.
નવા બનેલા રોડની દિવાલમાં પોપડા નીકળવા લાગ્યા
નોંધનીય છે કે, હાલમાં જ સાવરકુંડલા બાયપાસ પર નવા બનતા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. રોડ પર બનેલી પાળીને હાથ અડાડતા જ તેમાંથી પોપડા પડવા લાગે છે. નવી બનાવેલી RCCની પાળીમાં પણ હાથથી કપચી ઉખડી રહી છે. જેને લઈને સ્થાનિક વ્યક્તિએ પ્રજાના પૈસનો આ રીતે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. વીડિયો સામે આવતા જ તરત ધારાસભ્ય એક્શનમાં આવ્યા હતા અને સ્થળ પર જાતે જઈને કામની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT