અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડતા અલ્પેશ ઠાકોર ઉમેદવારી નોંધાવતા વખતે રજૂ કરેલા એફિડેવિટમાં તેમની પાસે કરોડોની સંપત્તિ હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરની આવક ઘટી
અલ્પેશ ઠાકોરે રજૂ કરેલા એફિડેવિટ મુજબ, ભાજપમાં જોડાયા બાદ તેમની આવકમાં વર્ષે વર્ષે ઘટાડો થયો છે. વર્ષ 2021-22માં તેમની વાર્ષિક આવક 11.72 લાખ રહી જ્યારે વર્ષ 2020-21માં 12.77 લાખ જે, વર્ષ 2019-20માં 17.67 લાખ, 2018-19માં 18.38 લાખ અને વર્ષ 2017-18માં 14.21 લાખ હતી. જ્યારે તેમના પત્નીની વર્ષ 2021-22માં વાર્ષિક 6.44 લાખ આવક હતી.
અલ્પેશ ઠાકોર સામે કેટલા કેસો?
અલ્પેશ ઠાકોરે રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની સામે કુલ 6 જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં ગાંધીનગરમાં બિનગેરકાયેદસર ઘરમાં ઘુસી દારૂના ખોટો પૂરાવા ઊભા કરવા, પાલનપુરમાં માનહાનિનો કેસ, સોલામાં પરવાનગી વિના જાહેર સભા કરવી, ખેરાલુ અને અમદાવાદમાં કલમ 144નો ભંગ કરવો, તથા વિસનગરમાં પરવાનગી વિના જાહેર સભા કરવા અંગે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંઘાયેલો છે.
બેંકમાં કેટલી રોકડ અને દાગીના?
અલ્પેશ ઠાકોર પાસે હાલમાં 4.92 લાખ રોકડ છે, જ્યારે તેમના પત્ની પાસે 3.67 લાખ, સંયુક્ત પરિવાર પાસે 2.15 લાખ અને પુત્ર પાસે 95 હજારની રોકડ છે. ઉપરાંત અલ્પેશ ઠાકોરના ચાર બેંકમાં એકાઉન્ટ છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિાયમાં 1.55 લાખ, યુકોબેંકમાં 3.49 લાખ, એક્સિસ બેંકમાં 3.15 લાખ, HDFC બેંકમાં 7.87 લાખ રૂપિયા છે. જ્યારે તેમના પત્નીના બેંક ઓફ બરોડા એકાઉન્ટમાં 2.45 લાખ અને એક્સિસ બેંકમાં 1.38 લાખ જમા છે. સંયુક્ત પરિવારના બેંક ઓફ બરોડા એકાઉન્ટમાં 2.89 લાખ જ્યારે પુત્રના બે બેંક એકાઉન્ટમાં 50 હજારથી વધુની રકમ છે.
અલ્પેશ ઠાકોર પાસે ઈનોવા ક્રિસ્ટા કાર છે જે તેમણે આ વર્ષે જ 28 લાખમાં ખરીદી છે. જ્યારે તેમના પત્ની પાસે રૂ.60,000ની કિંમતનું એક એક્ટિવા છે. અલ્પેશ પાસે રૂ.26 લાખ 50 હજારની કિંમતનું 530 ગ્રામ સોનું છે. તેમના પત્ની પાસે રૂ.55 લાખનું 1100 ગ્રામ સોનું છે. જ્યારે તેમના પુત્ર પાસે રૂ.15 લાખનું 300 ગ્રામ સોનું છે. આમ રોકડ, બેંક ડિપોઝિટ, વાહનો તથા દાગીનાનું મળીને કુલ એકંદર મૂલ્ય 1.70 કરોડ જેટલું થાય છે.
ઘર અને જમીનની કિંમત?
રાણીપમાં ઘર તથા ખેતીની જમીન મળીને તેમની પાસે 1.39 કરોડની સ્થાવર સંપત્તિ છે. જ્યારે રૂ. 76.35 લાખની જંગમ સંપત્તિ છે. જ્યારે તેમના પર રૂ.14.81 લાખની બેંક લોન છે. અલ્પેશ ઠાકોરે વર્ષ 1994માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એના પ્રથમ વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે.
(નોંધ: ઉપરોક્ત જાણકારી અલ્પેશ ઠાકોરે એફિડેવિટમાં રજૂ કરેલી માહિતી મુજબ છે)
ADVERTISEMENT