ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી તથા નવા મંત્રીમંડળના વિચારણા થઈ હતી. જેમાં ગાંધીનગર દક્ષિણથી જીતેલા અલ્પેશ ઠાકોર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપમાંથી મંત્રી મંડળમાં સ્થાન મળવાના વાત પર નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
ભવ્ય જીત પર શું કહ્યું અલ્પેશે?
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ જીત નરેન્દ્રભાઈની જીત છે, રાષ્ટ્રવાદની, વિકાસની જીત છે. જે રીતે એક નકારાત્મક રાજનીતિ, તોડવાની રાજનીતિ, જાતિવાદની રાજનીતિ જે લોકો કરતા હતા, તેમને આ સણસણતો જવાબ છે. ગુજરાતમાં આવીને મોદી સાહેબ વિશે બોલશો તો તમને આવો જવાબ મળશે અને ગુજરાતીઓને જે મોદી સાહેબ અને ભાજપ પર વિશ્વાસ છે આ તેની જીત છે.
મંત્રી પદ મળવાની વાત પર શું બોલ્યા?
જ્યારે મંત્રી મંડળમાં સ્થાન મળવાની વાત પર તેમણે કહ્યું કે, જે રીતે મને ગાંધીનગર મહાનગરની અંદર ચૂંટણી માટે પસંદ કરવામાં આવ્યો અને મને જીતાડ્યો તેમનો હું આભાર માનું છું, નેતાઓનો આભાર માનું છું. હું ધારાસભ્યથી જ ખુશ છું. હવે વધારે કોઈ મહત્વકાંક્ષાઓ નથી રહી. ખાસ વાત છે કે, પક્ષ પલટો કર્યા બાદ અલ્પેશ ઠાકોર કહ્યું હતું કે, મારી ખુરસી મુખ્યમંત્રીની ઓફીસની બાજુમાં જ હશે અને હું લીલી પેન વાપરીશ. જોકે પેટા ચૂંટણીમાં હાર્યા બાદ હવે તેમને આ બાબત પર નિવેદન આપવાનું જ ટાળ્યું હતું.
અગાઉ રાધનપુરથી ચૂંટણી હાર્યા હતા
નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાધનપુર બેઠકથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2019માં રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારે બાદ બંનેએ ધારાસભ્ય પદ્દ પરથી રાજીનમું આપી દીધું હતું. રાજીનામાં બાદ અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા. પક્ષ પલટા બાદ ભાજપે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા.
ADVERTISEMENT