ગાંધીનગરઃ આપણે લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા હોઈએ અને તેમાં કોઈ અચાનક વચ્ચે ઘૂસી જાય તો? બસ બિલકુલ તમને જેવી ફિલિંગ આવી તેવી જ ફિલિંગ હાલ ગાંધીનગરની ગાંધીનગરની સેન્સ પ્રક્રિયામાં આ બેઠક પર દાવેદારી કરવા આવેલા મોટાભાગના દાવેદારોમાં છે. ગુજરાતમાં વિવિધ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો છે. ટિકિટ માટે જ્યાં હાલ દાવેદારો લાઈનમાં છે ત્યાં અલ્પેશ ઠાકોરે જાણે લાઈનમાં જાણે ઘૂસમારી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેના કારણે અન્ય દાવેદારોમાં કકળાટ જોવા મળી રહ્યો છે. આમ તો અલ્પેશ ઠાકોર અગાઉ પણ રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે છતાં તેમણે અને રોહિતજી ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી છે. તેમણે જેવી આ બેઠક પર દાવેદારી કરી કે ભાજપમાંથી જ નારાજગીનો સુર ઉઠ્યો અને તેમની દાવેદારીનો વિરોધ થયો હતો.
ADVERTISEMENT
આયાતી ઉમેદવાર ન મુકવાની માગ
ભાજપ સેન્સ પ્રક્રિયામાં સામે આવેલા દાવેદારોના નામ પર મંથન કરીને આગામી સમયમાં યોગ્ય ઉમેદવારને ટિકિટ મળે તે માટેની કામગીરી કરી રહ્યું છે ત્યારે ગાંધીનગરની સેન્સ પ્રક્રિયામાં ખેંચતાણનો માહોલ જોવા મળ્યો છે. થયું એવું છે કે રાધનપુર બેઠકને છોડીને અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી છે જેના કારણે વિરોધના સુર ઉઠ્યા છે. અલ્પેશ ઠાકોરના સમર્થકોએ ગાંધીનગર દક્ષિણથી ટિકિટ માગતા આ બેઠક પર પોતાની દાવેદારી રજુ કરનારા અન્ય દાવેદારો અને તેમના સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આયાતી ઉમેદવાર ન મુકવાની માગ ઉઠી હતી.
ધારાસભ્ય શંભુજી ઠાકોરે કહ્યું…
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ધારાસભ્ય શંભુજી ઠાકોરે પણ દાવેદારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ તો શિસ્તમાં માનનારો પક્ષ છે, પક્ષ જે કોઈ ઉમેદવારને ટિકિટ આપે તે જ ઉમેદવાર ચૂંટણી લડવાનો છે. 45થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી દાવેદારી કરી છે.
ADVERTISEMENT