ગાંધીનગર: ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલા જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જોકે ભાજપ દ્વારા તેમ છતાં અલ્પેશ ઠાકોરને જ ટિકિટ આપવામાં આવી. આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જોકે આ ઉદ્ધાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન
ખુદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદ્ધાટનના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોરના પોસ્ટર તો દેખાયા પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલા જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો હતો અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા. જે બાદ તેઓ પોતાના જ કાર્યાલયના ઉદ્ધાટનમાં દેખાયા નહોતા.
આજે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે અલ્પેશ ઠાકોર
ખાસ વાત છે કે, અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આજે પણ તેઓ પાટણના રાધનપુર, અને બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. જોકે તેમના જ કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન તેઓ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓ ઉઠી હતી.
ADVERTISEMENT