અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ત્રાસ પર અંકુશ લાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં 27મી જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડક્વાટર્સ ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં 1500 જેટલા લોકો વ્યાજખોરોના ત્રાસની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આ લોકદરબારમાં પોલીસને વ્યાજખોરોની 150 જેટલી ફરિયાદો મળી હતી, જેમાંથી 18 ફરિયાદમાં FIR નોંધવામાં આવી છે, જ્યારે અન્ય મામલામાં તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
વ્યાજખોરોને હવે 10 વર્ષ સુધી જેલની સજા થશે
વ્યાજખોરો સામે હવે પોલીસ IPCની કલમ 383 એટલે કે ખંડણીનો ગુનો દાખલ કરશે. જે અંતર્ગત વ્યાજખોરોને હવે 10 વર્ષની સુધીની જેલની સજા થઈ શકે છે. અત્યાર સુધીમાં વ્યાજખોરો પર નાણા ધીરનારની કલમ હેઠળ ગુનો દાખલ થતો હતો, જેમાં તેમને માત્ર 2 વર્ષની જેલની સજા થતી હતી.
‘નાના વેપારીથી માંડી બિઝનેસમેન સુધી તમામ વ્યાજખોરોના ચક્કારમાં ફસાયા’
શાહીબાગ પોલીસ હેડક્વાટર્સ ખાતેના લોકદરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, નાના વેપારીથી માંડીને મોટા બિઝનેસમેન સુધી, તમામ લોકો વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા હોય છે. પરંતુ આ તમામને મુક્ત કરાવવાનું અભિયાન ચાલું રહેશે.
બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને લોનની માહિતી પૂરી પડાઈ
ત્યારે બીજી તરફ આ લોકદરબારમાં આવેલા નાના વેપારીઓ તથા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને વ્યાજખોરોની પ્રવૃત્તિનો ભોગ ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકના કર્મચારીઓ દ્વારા લોન તેમજ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ADVERTISEMENT