ગૌતમ જોશી/અમદાવાદઃ અત્યારે રખડતા ઢોરનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ઉછળ્યો છે. સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાદવામાં આવ્યો એનાથી માલધારી સમાજ રોષે ભરાયો છે. તેવામાં ગુજરાત તકની ટીમ અમદાવાદમાં નરોડા વિસ્તાર પહોંચી હતી, જ્યાં સ્થાનિકો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન માલધારી સમાજે સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે ગૌચર જમીન સહિતની પોતાની માગ રજૂ કરી હતી. વળી અહીં ભરવાડ યુવા સંગઠનો દ્વારા ભાજપ વિરોધી પોસ્ટરો લગાવાયા છે. જેમાં ભાજપના ચિહ્નો પર ચોકડી મારી દેવાઈ હતી. તથા પાર્ટીને અહીં વોટ માગવા નહીં આવવાનું પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
પોસ્ટરમાં શું લખ્યું સ્થાનિકોએ…
નેહડા ગામની દિવાલો પર ભરવાડ યુવા સંગઠને પોસ્ટર છપાવ્યા છે. જેમાં તેમણે ભાજપના નિશાન પર ચોકડી મારી હતી તથા ગાય પર ખરાનું નિસાન કર્યું છે. જેથી યુવા સંગઠન જણાવી રહ્યું છે કે સૌથી પહેલા માલધારીઓની વ્યથાને સરકાર સમજે. નહીં તો વોટ માગવા આવવું નહીં.
નેહડા ગામના લોકોએ કહ્યું…
ગુજરાત તક સાથેની વાતચીતમાં નેહડા ગામના લોકોએ ગૌચર જમીન સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે પશુઓને કેવી રીતે ચારો આપીએ એ સહિતની ચર્ચા કરી હતી. આ દરમિયાન સ્થાનિકોએ ભાજપમાં કાર્યરત માલધારી સમાજના આગેવાનોને પણ એમની સહાય કરવા માટે અપિલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિવાદનો અંત નહીં આવે તો અમે સરકારને વોટ નહીં આપીએ.
શું છે સમગ્ર વિવાદ અને અગાઉ માલધારી સમાજના નિવેદનો…
રખડતા ઢોરના કારણે શહેરમાં ઘણા નાગરિકોના મોત નીપજ્યાં છે. તેવામાં સરકારે ઢોર નિયંત્રણ કાયદા, ગૌચર જમીન પરના દબાણો દુર કરવા સહિતના અનેક આક્રમક પગલા લીધા હતા. જોકે માલધારી સમાજ પણ આ મુદ્દે લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે, સરકાર માત્ર માલધારી સમાજને નહી પરંતુ હાઇકોર્ટને પણ ગુમરાહ કરે છે.
વધુમાં માલધારી સમાજે પહેલા કહ્યું હતું કે હાઇકોર્ટમાં સરકાર ખોટા એફિડેવિટ રજુ કરે છે. એક તરફ માલધારી સમાજના આગેવાનો સાથે તસવીરો પડાવે છે અને બીજી બાજુ માલધારી સમાજની વિરુદ્ધ જ કાર્યવાહી કરે છે. માટે માલધારી સમાજને આગામી ત્રણ મહિનામાં આવી રહેલી ચૂંટણી પરત્વે સજાગ રહેવા માટેની અપીલ કરવામાં આવે છે. માલધારી સમાજના અનેક પ્રશ્નો વર્ષો વર્ષોથી પડ્યાં છે. સરકાર તેનો ઉકેલ તો નથી લાવી રહી પરંતુ હવે તો સ્થિતિ એવી આવી છે કે, સરકાર પોતે માલધારી સમાજ માટે પ્રશ્નો પેદા કરે છે.
ADVERTISEMENT