અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર હાટકેશ્વરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ છેલ્લા 6 મહિનાથી રિપેરિંગના નામે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બનીને તૈયાર થયો ત્યારે 50 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કરાયો હતો, ત્યારે 5 વર્ષમાં રિપેરિંગ માટે ચારથી પાંચ વખત બ્રિજ બંધ કરવો પડ્યો છે. ત્યારે હાટકેશ્વરના આ બ્રિજનો 2022માં જ સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે 2022માં બ્રિજની ક્વોલિટીનો રિપોર્ટ આવી ગયો હતો, પરંતુ ચૂંટણી હોવાથી તેને દબાવીને રાખવામાં આવ્યો.
ADVERTISEMENT
રિપોર્ટમાં શું સામે આવ્યું?
CIMEC લેબોરેટરીના રિપોર્ટમાં કોન્ક્રીટનો પ્રાઈમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. ઉપરાંત બ્રિજના નિર્માણમાં M45 ગ્રેડનો કોન્ક્રીટ વાપરના બદલે M25 ગ્રેડનું કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે બ્રિજમાં હલકું મટીરિયલ વાપરમાં આવ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ બ્રિજ તૈયાર થયો ત્યારે તેનું ઈન્સ્પેક્શન કરનારી થર્ડ પાર્ટી કંપની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અધૂરામાં ઓછું હોય તેમ આ જ કંપનીને પલ્લબ બ્રિજ બનાવવાનું કામ પણ સોંપવામાં આવેલું છે.
મુંબઈની કંપનીના રિપોર્ટમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્યો
બીજી તરફ મુંબઈની લેબ ઈ-ક્યૂબ દ્વારા પણ જાન્યુઆરી 2023માં બ્રિજની ક્વોલિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સિમેન્ટની ગુણવત્તા ખૂબ જ હલકી હતી અને પાણીનું પ્રમાણ વધારે હતું. બ્રિજ બનાવવા માટે વાપરવામાં આવેલું મટીરિયલ યોગ્ય નહોતું.ઉપરાંત રિપોર્ટમાં M-45 ગ્રેડની જગ્યાએ માત્ર M-20 ગ્રેડનું કોન્ક્રીટ વાપર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો AMC દ્વારા વધુ ખરાઈ માટે સેમ્પલને IIT રૂરકી મોકલવામાં આવ્યા છે.
ચૂંટણી હોવાથી AMCએ 2022માં રિપોર્ટ જાહેર ન કર્યો
સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને KCT અને CIMEC નામની બે લેબોરેટરી પાસે હાટકેશ્વરના બ્રિજનું સોલિડ એન્ટ મરીટીરયલનું ટેસ્ટિંગ કરાવ્યું હતું. સપ્ટેમ્બર 2022માં જ રિપોર્ટ આવ્યો જેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે જ બ્રિજ પાંચ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો છે. જોકે ચૂંટણી હોવાના કારણે લોકોનો વિરોધ ન થાય અને મામલો વધુ ન બગડે એટલે શાસક પક્ષના કહેવાથી મ્યુનિ. અધિકારીઓએ રિપોર્ટ દબાવી દીધો હતો. વિપક્ષ દ્વારા સમગ્ર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને જવાબદારી મ્યુનિ. અધિકારીને પણ સસ્પેન્ડ કરવાની માગણી કરાઈ છે.
ADVERTISEMENT