દુર્ગેશ મહેતા/ ગાંધીનગર: તાજેતરમાં લેવાયેલી પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેટમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. ત્યારે કરાઈ એકેડમીમાં IPS વિકાસ સહાયની સહી સાથે નકલી ઓર્ડર લેટર લઈને ટ્રેનિંગ માટે અમદાવાદની યુવતી પહોંચી હોવાનો મામલો સામે આવ્યો છે. યુવતીએ પરીક્ષામાં પાસ થયા હોવાનું કહી ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હતા. જોકે ત્યાં હાજર કર્મચારીને શંકા જતા તેણે લિસ્ટ ચેક કર્યું જેમાં યુવતીનું નામ જ નહોતું. ત્યારે હવે ખોટા પત્રોના આધારે નોકરી મેળવવા પહોંચેલી યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
PSI ભરતીમાં પાસ થઈ હોવાનું કહીને કરાઈ એકેડમીમાં ઘુસી યુવતી
વિગતો મુજબ, ગત રોજ કરાઈ એકેડમીના ગેટ પર અમદાવાદની એક યુવતી પહોંચી હતી અને પોતે પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ભરતીમાં પાસ થઈ છે અને આજે હાજર થવા માટે કહેવાયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેને અંદર જવા દેવામાં આવી. અંદર કન્ટ્રોલ રૂમમાં ગઈ જ્યાં ઓપરેટરે તેની પાસેથી તમામ દસ્તાવેજો માગ્યા હતા. યુવતીએ પોતે ભરેલું પરીક્ષા ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને હાથથી લખેલો એક પત્ર રજૂ કર્યો જેમાં IPS વિકાસ સહાયની સહી કરેલી હતી. જે ખોટો જણાતા ઓપરેટરે PSI ભરતીમાં પાસ તમામ 289 ઉમેદવારોનું લિસ્ટ કરતા તમામ હાજર હતા અને કોઈ બાકી નહોતું.
પોલીસની નોકરી માટે IPS વિકાસ સહાયની ખોટી સહી કરી નાખી
શંકા જતા ઓપરેટરે ડે. ઓફિસરને આ અંગે જાણ કરી હતી. ઉપરી અધિકારીઓએ ઓર્ડર અને ડોક્યુમેન્ટ લઈને ટ્રેનિંગ માટે પહોંચેલી યુવતીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેને પોલીસની નોકરી કરવી હતી પરંતુ પરીક્ષા પાસ ન કરી શકી એટલે જાતે ઓર્ડર લેટર તૈયાર કર્યો છે અને IPS વિકાસ સહાયની પણ ખોટી સહી કરી હતી. સમગ્ર મામલે હાલ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી ગાંધીનગર ડભોડા પોલીસે તપાસ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT