Ahmedabad Fire News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. જેમાં એક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે 8 લોકો દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે.
ADVERTISEMENT
ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે ફાટી નીકળી આગ
મળતી માહિતી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારના પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફ્લેટમાં આગ લાગતા બિલ્ડિંગમાં રહેતા રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતા તેની અસર બીજા માળ સુધી પહોંચી હતી. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા હતા. ફાયરની ટીમે 27 લોકોને એક્સટેન્સન લેડર મારફતે અને ઈમારતના પેસેજમાંથી બચાવ્યા હતા.
આગમાં દાઝી જતાં 1 બાળકનું મોત
સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. આ દરમિયાન નાનકડા બાળક સહિત 9 લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં બાળકનું મોત નિપજ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે મૃતક બાળક એક મહિનાનું જ હતું.
ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
ADVERTISEMENT