ચૂંટણી પહેલા આ સમાજ BJPથી નારાજ થતા રાજકીય ભૂકંપ આવ્યો, આગેવાને પાર્ટી વિરૂદ્ધ મતદાનની અપિલ કરી

જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓ પ્રચારમાં ધમધમાટ બોલાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં…

gujarattak
follow google news

જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓ પ્રચારમાં ધમધમાટ બોલાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. અહીં સતવારા સમાજ પાર્ટીથી નારાજ થઈ ગયો છે અને જામનગર ભાજપના ઉપપ્રમુખ તથા સતવારા સમાજના દિગ્ગજે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેણે આ રાજીનામાં સ્પષ્ટપણે સતવારા સમાજની અવગણના થતી હોવાનો મુદ્દો ઉઠાવી ભાજપ વિરૂદ્ધ વોટિંગ કરવા પણ સમાજને ટકોર કરી છે.

ભાજપ વિરૂદ્ધ વોટિંગ કરવા સમાજના અગ્રણીની ટકોર…
ચૂંટણી પહેલા જામનગરમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. અહીં સતવારા સમાજના અગ્રણી તથા ભાજપના ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામામાં ભાજપ પર આક્ષેપ લગાવ્યો છે કે પાર્ટી દ્વારા સતવારા સમાજની અવગણના થઈ રહી છે. ભાજપમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મેયર, પાર્ટીના પ્રમુખ જેવા કોઈપણ મોટા હોદ્દા સતવારા સમાજના લોકોને આપવામાં આવી રહ્યા નથી. વળી ટિકિટ વહેંચણી મુદ્દે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

સતવારા સમાજની બહુમતિ હોવા છતા અવગણના- ભનુભાઈ ચૌહાણ
રાજીનામામાં ટિકિટ મુદ્દે ભનુભાઈએ જણાવ્યું છે કે સતવારા સમાજના બંને જિલ્લામાં મળીને કુલ 1 લાખ 80 હજાર જેટલા મતદારો છે. છતા તેમના આગેવાનને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે 25 હજારથી ઓછા મતદાતા હોય તે સમાજના આગેવાનને ટિકિટ મળી ગઈ છે. આ મુદ્દો ઉઠાવી તેમણે કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સતવારા સમાજના આ ધારાસભ્યને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા. ભાજપમાં જોડાયા પછી તેમની અવગણના શરૂ થઈ ગઈ છે.

ભાજપ વિરૂદ્ધ વોટિંગ કરવા સમાજને ટકોર- ભનુભાઈ ચૌહાણ
સતવારા સમાજની અવગણના થતી હોવાનો મુદ્દો ઉઠાવતાની સાથે ભનુભાઈએ સમાજને અપિલ કરી છે કે ભાજપે સતત સતવારા સમાજની અવગણના કરી છે. આપણી તાકાત બતાવી દઈશું. તેમણે આની સાથે ભાજપને મત ન આપવા પણ આડકતરી રીતે જણાવી દીધું હતું. તેમણે જે-તે પાર્ટીમાંથી સતવારા સમાજનો ઉમેદવાર ઉભો હોય તેને સપોર્ટ કરવા માટે ટકોર કરી હતી.

સતવારા સમાજના મત કઈ પાર્ટીને મળશે?
77 જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સતવારા સમાજને પ્રતિનિધિત્વ ન અપાતા સતવારા સમાજ રોષે ભરાયો છે. ઉલ્લેખનીય છે કે, જામનગર 77 ગ્રામ્ય વિસ્તારમાં સતવારા સમાજના 35 હજાર જેટલા મતદારો છે અને ભાજપે અહીંથી રાઘવજી પટેલને રિપીટ કર્યા છે. ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખે રાજીનામુ ધરી દેતા, સતવારા સમાજના અન્ય હોદ્દેદારોએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે અને મોટી સંખ્યામાં સતવારા સમાજ એકત્રિત થઈ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનો સામુહિક નિર્ણય લીધો છે.

ત્યારે હવે સતવારા સમાજના મતો કયા પક્ષને મળે છે? અથવા તો સતવારા સમાજના મતો લેવા અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેમનો સંપર્ક કરવામાં લાગી ચુકી છે. જેને લઈને શિયાળાની શરૂઆતમાં જ જામનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે…

With Input: દર્શન ઠક્કર

    follow whatsapp