Dadra Nagar Haveli News: લોકસભાની ચૂંટણી પહેલા હવે શિક્ષકો બાદ હવે વિદ્યાર્થીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના સહિતની માંગો સાથે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. તેવામાં હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં ન આવતા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
રેલી કાઢીને પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સિલવાસામાં વિદ્યાર્થી મોરચાએ સ્કોલરશીપની માંગ સાથે પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ રેલી કાઢી હતી. આ રેલી સિલવાસા બસ સ્ટેન્ડથી શરૂ થઈને ચાર રસ્તા પોલીસ સ્ટેશન, ઝંડા ચોક થઈને કિલવાણી નાકા ખાતે પહોંચી હતી. જ્યાં તેઓએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ 'ભ્રષ્ટાચાર બંધ કરો', 'અમે ભીખ નહીં અમારો હક માંગી રહ્યા રહ્યા છીએ' વગેરે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા.
વધુ વાંચો....RTE માં મફત એડમિશન માટે કોણ અરજી કરી શકે? ફૉર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ હાથવગા કરી લો
અમને નથી મળી શિષ્યવૃત્તિઃ વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની માંગ છે કે આખું વર્ષ વીતી જવા છતાં તેમને શિષ્યવૃત્તિ નથી મળી, ઘણી શાળાઓએ પુસ્તકો, શૂઝ વગેરે આપ્યા નથી. તેમણે કહ્યું કે શિક્ષા અમારો અધિકાર છે અને અમે તને લઈને જ રહીશું.
5 માર્ચે કર્યું હતું એલાન
વિદ્યાર્થીઓએ 5 માર્ચે એલાન કર્યું હતું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર ઉતરશે, પરંતુ વહીવટીતંત્રે આ ચેતવણી પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, પરિણામે રેલી બાદ તેમના ધરણા શરૂ થયા છે.
વધુ વાંચો.... રાજકોટ આવાસ યોજનામાં મહાકૌભાંડ, પતિના 'પાપ'ની સજા ભાજપના મહિલા કોર્પોરેટરોને મળી
ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવવાના પ્રયાસ
કલેક્ટર કચેરીએ હડતાળ પર આવેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ અધિકારીઓએ સમજાવ્યા કે, કલેક્ટર કચેરી વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો, તેમ છતાં વિદ્યાર્થીઓ હટવા તૈયાર નથી.
ઈનપુટઃ કૌશિક જોશી, વાપી
ADVERTISEMENT