છોટા ઉદેપુર: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ વિજેતા ધારાસભ્યોના મત વિસ્તારમાં સત્કાર સમારોહ યોજીને તેમનું સન્માન કરાઈ રહ્યું છે. છોટા ઉદેપુરમાં સંખેડાના ધારાસભ્ય માટે પણ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જોકે આ સમારોહ બાદ ભાજપના જ નેતા સાથે મારા મારીને ઘટના બની હતી અને છેક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ચૂંટણી પ્રચારનું ઝેર રાખીને નેતા પર હુમલો
પોલીસ ફરિયાદ મુજબ, ભાજપના આદિવાસી મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલ ગુરુવારે બપોરે નસવાડી ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સંખેડાના ધારાસભ્યના સત્કાર સમારોહમાં પહોંચ્યા હતા. આ સમારોહ પૂરો થયા બાદ સાંજે 5 વાગ્યે એક કારમાં આવેલા એકલવ્ય તિરંદાજી એકેડમીના કોચ દિનેશ ભીલ કેટલાક લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને જશુભાઈ ભીલને ‘મારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા કેમ ગયો હતો, મારા વિરુદ્ધ કેમ પ્રચાર કરે છે’ તેમ કહીને ફેટ પકડીને ગડદા પાટુનો માર માર્યો હતો.
કાર્યકરોએ આવીને માંડ માંડ છોડાવ્યા
જશુભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના સાથીદાર એવા સરપંચ પતિ પ્રવીણ રાઠવા તથા વિશાલ જયસ્વાલ નામના કાર્યકરને પણ આ લોકોએ માર માર્યો હતો. જોકે રેસ્ટ હાઉસમાં જ મારા મારીની ઘટના બનતા ભાજપના અન્ય કાર્યકરો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા. જોકે દિનેશ ભીલે જતા જતા જશુભાઈને ધમકી આપી હતી કે, હવે ફરીથી ક્યાંય દેખાઈશ તો જાનથી મારી નાખીશ. આ સમગ્ર બાબતને લઈને જશુભાઈએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે હાલમાં કલમ 323, 504 અને 506(2) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT