કચ્છઃ કચ્છના લોકો માટે હાલમાં બિપોરજોય એક અલગ જ તકલીફો લઈને આવ્યું છે. આમ તો ગુજરાતમાં ઠેરઠેર બિપોરજોયની અસરો જોવા મળી છે. જોકે હાલ આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઠેરઠેર તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કચ્છમાં ગઢસિસા માંડવી હાઈવે બંધ થઈ ગયો છે. જેને લઈને શેરડી પાસે આપવામાં આવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા છે. કોઝવે ઉપર પણ પુલ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે ભારે વરસાદને કારણે નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. નલિયા ભુજ હાઈવે પર અબડાસા ભવાની પર પાસે પાપડી ધોવાઈ જતા માર્ગ બંધ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં દીવાલો પડવા, ઝાડ પડવા, વીજ પોલ પડવાની ઘટનાઓ જોવા મળી છે. એક જગ્યાએ તો દીવાલનો ભાગ કાર પર પડતા જાણે કારના રામ રમી ગયા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
ભારે પવન અને વરસાદે ખેડૂતોના શું હાલ કર્યા છે તેને તો શબ્દોમાં વર્ણવવા જ મુશ્કેલ લાગી રહ્યા છે. હાલમાં જ નખત્રાણાના વેસલપુર ગામમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે અહીં એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેળાનો બગીચો સંપૂર્ણ પણે તબાહ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ વેસલપર વિસ્તારમાં વાતાવરણ ભારે તોફાની બની ગયું હતું અને તે તોફાનમાં તબાહીનો મંજર જોવા મળ્યો હતો.
કચ્છમાં કેટલાક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આ વીડિયો જુઓ તેમાં આસપાસ બસ પાણી જ પાણી અને એક મકાનમાં લોકો જોવા મળી રહ્યા છે. કાચાપાકા આ મકાનમાં જીંદગીઓએ કેવો સમય વિતાવ્યો હશે તે વિચાર જ ધ્રુજાવી મુકનારા છે.
રોડ રસ્તા પર ક્રેન કે જે અન્ય રીતે મદદ માટે કામ આવતી હોય છે તે ક્રેન જ પવનમાં રોડની એક તરફ ફેંકાઈ ગયેલી જોવા મળી રહી છે. તેને જેસીબીની મદદથી બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT