નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની તસવીર મૂકવાની માગણી કરી હતી. તેમની આ માગણીના એક દિવસ બાદ હવે કોંગ્રેસના નેતા દ્વારા પણ ચલણી નોટો પર સંવિધાનના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર મૂકવાની માગણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસનો કેજરીવાલ પર હિન્દુત્વ કાર્ડની મદદ લેવાનો આરોપ
AAPના રાષ્ટ્રીય સંયોજનની માંગ પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જ્યારે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજાએ કેજરીવાલ પર ગુજરાતમાં ભાજપને હરાવવા માટે હિન્દુત્વ કાર્ડની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે.
મનીષ તિવારીએ ટ્વીટ કરીને શું કહ્યું?
મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે, નોટની નવી સીરિઝ પર બાબા સાહેબ આંબેડકરની તસવીર કેમ ન લગાવીએ. તેમણે કહ્યું કે, ‘એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ ડો. આંબેડકર. અહિંસા, સંવિધાનવાદ અને સમતાવાદ એક વિશિષ્ટ યોગ બનાવી રહ્યા છે. જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે જોડી દેશે.’
ભાજપે કેજરીવાલની માગણી પર શું પ્રતિક્રિયા આપી હતી?
જ્યારે બીજી તરફ કેજરીવાલની માંગ પર ભાજપે પલટવાર કરતા કહ્યું હતું કે, કેજરીવાલ કઈ રીતે યુ-ટર્ન લે છે તે અમે જોયું છે. પહેલા તેઓ દિવાળી પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે જો ભૂલથી તમે દિવાળી ઉજવી તો તમને જેલમાં નાખી દેવામાં આવશે. હવે તેઓ નોટો પર ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની માગણી કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું…
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.
ADVERTISEMENT