મુંબઈ: મુંબઈમાં ચોરોએ અદાણી કંપની દ્વારા બનાવેલો આખો બ્રિજ ચોરી કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. હવે આ કેસમાં મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ પુલ પશ્ચિમી ઉપનગરોમાં એક નાળા પર લગાવવામાં આવ્યો હતો. આ લોખંડનો પુલ 6,000 કિલો વજનનો હતો.
ADVERTISEMENT
બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, મલાડ પશ્ચિમમાં 90 ફૂટ લાંબો પુલ અડાણી ઈલેક્ટ્રીસિટી કંપની દ્વારા ઇલેક્ટ્રિક કેબલ બદલવા માટે મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, નાળા પર કાયમી પુલ બન્યા બાદ થોડા મહિના પહેલા અસ્થાયી સ્ટ્રક્ચરને આ વિસ્તારમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, બ્રિજ 26 જૂનના રોજ ગાયબ થઈ ગયો હતો, ત્યારબાદ વીજળી કંપનીએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારીએ તપાસમાં શું કહ્યું
પોલીસે તેની તપાસમાં જણાવ્યું હતું કે, બ્રિજ છેલ્લે 6 જૂને તેની જગ્યાએ જોવા મળ્યો હતો. પોલીસે બ્રિજની શોધમાં આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને 11 જૂને એક મોટું વાહન મળ્યું જે તે દિવસે પુલ તરફ જઈ રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, વાહનમાં ગેસ કટીંગ મશીનો હતા, જેનો ઉપયોગ પુલ તોડવા અને 6,000 કિલો વજનના લોખંડની ચોરી કરવા માટે કરવામાં આવ્યો હતો.
ચોરાયેલ પુલ પાછો મેળવ્યો
વધુ તપાસ પર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર પેઢીના કર્મચારીની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ કર્મચારી અને તેના ત્રણ સાથીઓની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ચોરાયેલો પુલ પાછો મેળવી લેવામાં આવ્યો છે અને ચારેય આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા બિહારમાં એક બ્રિજની ચોરીનો મામલો સામે આવ્યો હતો.
અદાણીની કંપની મહાનગરમાં વીજળી સપ્લાય કરે છે
નોંધપાત્ર રીતે, અદાણી જૂથની કંપની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સપ્લાય કરે છે, જેના માટે તે મહાનગરમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. એક પ્રોજેક્ટ પર કામ દરમિયાન આ ચોરી થઈ હતી. જોકે પોલીસે મામલો ઉકેલી નાખ્યો છે.
ADVERTISEMENT