કૌશિક, કાંઠેચા, કચ્છ: જે કોઈ પણ કચ્છના રણોત્સવની મુલાકાતે આવે છે એ તેના સફેદ રંગે રંગાઈ જાય છે. રણના આ રંગોમાં વધુ રંગો પૂરવા બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે. ઉત્તરાયણના કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાડશે અને સાથે જ તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન પણ કરશે. આ પ્રથમ ઘટના બનશે કે કચ્છના રણમાં કોઈ બોલીવુડ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા આવવાના હોય.
ADVERTISEMENT
પ્રવાસન થકી એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે. દેશ વિદેશથી લોકો આ રણની સુંદરતા માણવા કચ્છ પધારે છે. ત્યારે પ્રવાસીઓના આ ધસારામાં બોલીવુડે પણ ક્ષમતા નિહાળી છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન કચ્છના સફેદ રણની મુલાકાત લેશે અને પોતાની આગામી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન કરશે.
શેહઝાદા ફિલ્મનું પ્રમોશન કરશે
ટી-સિરીઝ દ્વારા નિર્મિત ફિલ્મ શેહઝાદા આગામી 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લીડ એક્ટર કાર્તિક આર્યન 14 જાન્યુઆરીના સફેદ રણ આવશે અને આ ફિલ્મનું પ્રમોશન કરશે, જેની સત્તાવાર વિગત ગુજરાત પ્રવાસન વિભાગે આપી હતી.
કાલે ઉડાવશે પતંગ
કાર્યક્રમની વિગતો આપતા પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે બપોરે 1 વાગ્યે કાર્તિક આર્યન રણોત્સવ ખાતે પહોંચશે. ઉત્તરાયણ પર્વ હોવાથી રણમાં પતંગ પણ ઉડાડશે. તો 13 તારીખે સફેદ રણમાં યોજાનાર આંતરાષ્ટ્રીય પતંગોત્સવના અનેક પતંગબાજો પણ આ પ્રસંગે પોતાના વિશાળ અને આકર્ષક પતંગ ઉડાડશે જેને નિહાળવા કાર્તિક ખાસ ઉપસ્થિત રહેશે. તો ત્યારબાદ પોતાના ફિલ્મનું પ્રમોશન પણ કરશે.
કાર્તિક આર્યને શેર કર્યો વિડીયો
કાર્તિક આર્યને પણ આ મુદ્દે એક વીડિયો શેર કરી લોકોને સફેદ રણમાં આવી તેમની સાથે પતંગ ઉડાડી પેચ લડાવવા આમંત્રણ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સફેદ રણમાં કોઈ બોલીવુડ ફિલ્મનું પ્રમોશન થતું હોય તેવી આ પહેલી ઘટના બનશે અને બોલીવુડ અભિનેતાને સાક્ષાત નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી તેવી આશા સાથે પ્રવાસન વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT