વડોદરા: વડોદરામાં પોલીસ પર જ તોડબાજી કરવાનો આરોપ લાગ્યો છે. વાડી પોલીસ પર આક્ષેપ થયા છે કે 31મી ડિસેમ્બરની રાત્રે બુટલેગરને 12 બિયરના ટીન સાથે પકડાયો હતો. બાદમાં તેની પાસેથી 50 હજાર રૂપિયા લઈને તેને છોડવામાં આવ્યો. ખુદ બુટલેગરે જ આવા આક્ષેપ સાથેનો વીડિયો વાઈરલ કરતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. બુટલેગરનો વીડિયો સામે આવતા હવે પોલીસની શાખ પર પણ ડાધ લાગ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરતમાં મહિલાએ જ્વેલર્સની દુકાનમાં કારીગરોનું ધ્યાન ભટકાવી દાગીના સેરવી લીધા, જુઓ CCTV
ખુદ બુટલેગરે વીડિયો વાઈરલ કરીને આરોપ લગાવ્યો
અગાઉ દારૂ વેચતા પકડાયેલા નગીન જાવન નામના બુટલેગરે વીડિયો જણાવ્યું હતું કે, હું દંતેશ્વર તરફથી એક્ટિવાની ડેકીમાં 12 બિયર લઈને આવતા હતો. ત્યારે વાડી પોલીસની હદમાં મને પોલીસ કર્મચારીઓએ ચેકિંગ માટે અટકાવ્યો અને મેં છોડી દેવા જણાવતા કહ્યું કે દોઢ લાખ આપીશ તો 1 બિયરનો કેસ કરીશું. જોકે મારી પાસે આટલા પૈસા ન હોવાનું કહેતા, મારો ફોન, મોબાઈલ અને વાહન બધું જમા લઈ લીધું. જેમ તેમ કરીને મેં 50 હજારની વ્યવસ્થા કરી તો પૈસા લઈને મને ભગાડી દીધો.
પોલીસ પાસે જ ન્યાયની માગણી
હવે સમગ્ર મામલે બુટલેગરનો માગણી છે કે પોલીસ કમિશનર આવા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરે અને તેમને કાયમની હેરાનગતિથી છુટકારો અપાવે. નોંધનીય છે કે, બુટલેગર દ્વારા જ પોલીસ સામે આરોપો કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. હાલમાં તો વીડિયો મામલે પોલીસ બુટલેગરોના આક્ષેપની તપાસ કરી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે જો આ આરોપો સાચા સાબિત થશે તો જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT